
ગુજરાતના વડોદરા -આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ અધ વચ્ચેથી અચાનક ધરાશયી થતા દસથી વધુ લોકોના નદીમાં પડવાથી મોત થયા છે. એવામાં ગુજરાતભરમાં આ પ્રકારના જર્જરિત થઈ ગયેલા બ્રિજના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
છોટા ઉદેપુરમાં ઓરસંગ નદીના બ્રિજ પર કોંગ્રેસનો વિરોધ
બોડેલી નજીક આવેલ ઓરસંગ નદી ઉપર પડેલ તિરાડો અને ખાડાને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ સહીત કાર્યકર્તાઓએ ઓરસંગ બ્રીઝ પર બેસી વિરોધ કર્યો હતો.
પાણી ભરાયેલ ખાડામાં ડામર નાખવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે. પાણી માં ભરાયેલ ખાડા માં ડામર પાપડ બન્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કોંગ્રેસે ખાડામાં ડામર પૂરવા ની વાતને લાલી લિપસ્ટીક ગણાવી હતી. 1991માં ઓરસંગ પરના બ્રિજનો એક ભાગ ધરાશાઈ થયો હતો. એક ભાગનું સમારકામ કરાયું હતું અને એક ભાગ હાલ તેમ જ યથાવત છે.
જામનગરમાં રંગમતી નદી પરનો બ્રિજ જર્જરિત
જામનગર કાલાવડ નાકા બહાર આવેલ વિસ્તારમાં આવેલ અને રંગમતી નદી પર આવેલ જર્જરિત હાલતમાં દેખાતો બ્રિજ 1985માં નિર્માણ પામ્યો હતો. ત્યારબાદ સતત વપરાશના કારણે છેલ્લા ઘણા વર્ષથી આ પુલ અતિ જર્જરીત હાલતમાં છે. પુલમાંથી લોખંડના સળિયા ઘણા વર્ષોથી દેખાવા લાગ્યા છે. જેના કારણે મજબૂતાઈ પર અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે.
40 વર્ષ જૂના આ પુલમાં કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે. પરંતુ તંત્રએ તો નિર્દોષોના જીવ ન જાય ત્યાં સુધી જાણે કાઈ પગલાં ન લેવાની નેમ લીધી હોય તે રીતે કોઈ પગલાં ન લેવાતા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. આ વોર્ડના કોંગી સ્થાનિક કોર્પોરેટરો અનેક વખત આ બ્રિજને લઈને મનપાના સતાધીશો અને અધિકારીઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે.
વલસાડ જિલ્લામાં બ્રિજનું રિયાલિટી ચેક
વાપી શામળાજી હાઇવે પર પાર નદીના પુલની હાલત ખરાબ છે. પુલ પર મસ મોટા ખાડા પડ્યા છે. પુલના સ્લેબના મોટા સળિયા બહાર નીકળી આવ્યા છે. પુલમાંથી બહાર નીકળેલા સળિયા જોખમ નોતરી રહ્યા છે. અનેક વાહનચાલકો આ સળિયાના કારણે ભોગ બની રહ્યા છે. પુલ પર પડેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા પુલની હાલત ખરાબ થઈ ગઈ છે.
રાજકોટના ધોરાજીમાં ભાદર નદી પરનો બ્રિજ ખરાબ
ધોરાજીના વેગડી ગામ પાસે ભાદર નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં છે. 1967માં બનેલો બ્રિજનું રીનોવેશન પણ થયું નથી. ધોરાજીથી દ્વારકા જામનગર તરફ જવાનો આ માર્ગ છે. વર્ષોથી બ્રિજની હાલત ખરાબ પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ તસ્દી લેવામાં નથી આવી. અકસ્માતની રાહ જોઈ રહેલો આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના નોતરી શકે તેમ છે. આજુબાજુના સ્થાનિકો તેમજ વાહન ચાલકોને પણ અહીંથી પસાર થવામાં ભય લાગી રહ્યો છે. અવરજવર કરવા માટે એકમાત્ર જ આ પુલ હોવાથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે. લોકોની અનેક માંગ છતાં હજુ જર્જરિત પુલનું સમારકામ કરવાનો નથી આવતો.