
મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે દરિયાપુર ગામે રહેતા સોનલબેન પઢિયાર પણ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું કે મારે સંતાનમાં ત્રણ દિકરીઓ છે. ત્યારબાદ દીકરો આવતા અમે બગદાણાની બાધા રાખી હતી. જેથી, હું મારા પતિ, દીકરા અને અન્ય સંબંધીઓ સાથે સવારે 7.00 વાગ્યે અમારા જમાઈની કાર લઈને બગદાણા જવા નીકળ્યા હતા. બ્રિજ તૂટતા જ અમારી કાર પાણીમાં ખાબકી હતી. અમારી કારના આગળના ભાગે એક ટ્રક પડતા કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારનો પાછળનો દરવાજો ખૂલી જતા હું બહાર નીકળી ગઈ હતી. પાણીમાં ઉભા રહીને મેં મારા દીકરા તથા અન્યને બચાવવા માટે બૂમો પાડતી રહી પણ એક કલાક સુધી કોઈ જ મદદે આવ્યું નહોતું.
બ્રિજ પર લટકતી પાઈપ પકડીને હું બહાર આવી ગયો
ગંભીરા નજીકના નાની શેરડી ગામે રહેતા 38 વર્ષના દિલીપભાઈ રાયસિંગભાઈ પઢિયાર ઈલેઝોમ કંપનીની કેન્ટિનમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે હું નોકરી પરથી છૂટીને બાઈક પર ઘરે જઈ રહ્યો હતો, તે દરમિયાન બ્રિજ તૂટી પડતા હું બ્રિજ પરથી નીચે પટકાયો હતો. થોડી ક્ષણ માટે તો મને કંઈ જ ખબર ન પડી પણ જ્યારે ભાન થયું ત્યાપે બ્રિજ પરથી પાણીમાં લટકતી પાઈપ પકડી લેતા હું બચી ગયો હતો. ત્યારબાદ લોકોએ મને બહાર કાઢ્યો હતો.
બ્રિજનો ભાગ તૂટ્યો અને બાઈકને બ્રેક મારતા થયો બચાવ- સંજય ચાવડા
નવાપુરાના 25 વર્ષના સંજયભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે હું બાઈક લઈને કંપની પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક બ્રેક મારવી પડી, મારી સામે જ પુલ તૂટ્યો અને 5 વાહનો નદીમાં ખાબક્યા હતા, અમારું બાઈક ધાર પર જ રહી ગયું, એ સમયે એવું લાગ્યું કે ધરતીકંપ થઈ રહ્યો હોય. એક રિક્ષા,બાઈક અને ગાડીઓ નીચે પડી પણ હું મારા ત્રણ મિત્રો અને બીજા મળીને પાંચથી છનો આબાદ બચાવ થયો.
સોશિયલ મીડિયા પર વીડિયોમાં ફોઈને મદદ માંગતા જોઈ હું દોડી ગયો
પાદરા નજીકના ડબકા ગામે મોહંમદપુરા ગામે રહેતો 35 વર્ષનો ધર્મેશ વાસુદેવભાઈ પરમાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત ફોઈને સારવાર માટે લઈને સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો. તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર બ્રિજ દુર્ઘટનાનો વીડિયો જોયો હતો. જેમાં પાણીમાં ઉભા રહીને મદદ માટે બૂમો પાડતી મહિલા મારા ફઈ સોનલબેન હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી હું તરત ત્યાં દોડી ગયો હતો, અને મારા ફઈને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગયો હતો.
હું જાગ્યો ત્યારે ટ્રક પાણીમાં હતો, હું ટ્રક પર ચઢી ગયો
દ્વારકામાં રહેતા અને કાકા મેરામણભાઈ સાથે દ્વારકાથી ટ્રકમાં કોસ્ટિક સોડા ભરીને રાજુભાઈ ડોડાભાઈ અંકલેશ્વર જતા હતા, તેમણે જણાવ્યું કે હું ઊંઘી ગયો હતો અને મારા કાકા ટ્રક ચલાવતા હતા. બ્રિજ તૂટતા અમે પાણીમાં પડ્યા ત્યારપે અચાનક હું જાગી ગયો હતો. હું બહાર નીકળી ગયો હતો. ટ્રક પાછળથી ઉંચો થઈ ગયો હોવાથી હું ટ્રક પર ચઢી ગયો હતો. નાવડી લઈનવે લોકો આવ્યા હતા અને પાણીમાંથી મને બહાર કાઢ્યો હતો. મારા કાકાની કોઈ ખબર નથી.
પાણીમાં તરતી બોરી પકડી લેતા બચી ગયો
બોરસદ નજીકના દહેવાણ ગામે રહેતા 42 વર્ષના નરેન્દ્રભાઈ રતનભાઈ પરમાર એકલબારા પાસે આવેલી કંપનીમાંથી છૂટીને ઘરે પરત જઈ રહ્યા હતા, તેમણે જણાવ્યું કે હું બ્રિજ પરથી પસાર થતો હતો, તે દરમિયાન બ્રિજ તૂટી પડતા પાણીમાં બાઈક સાથે પટકાયો હતો. પાણીમાં તરતી બોરીઓ પૈકી એક બોરી પકડી લેતા હું ડૂબ્યો નહોતો અને ત્યારબાદ નાવડીમાં મને બહાર કાઢવામાં આવ્યો હતો. મારી સાથે બાઈક પર બેઠેલા ભૂપેન્દ્રભાઈની કોઈ ભાળ મળી નથી.