Vadodara News: ગુજરાતના પાદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણ થતા વાહનો નદીમાં ખાબક્યા હતા અને જેમાં 9 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો, સરપંચ અને પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી.
મહિસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો
જોકે આ બ્રિજમાં ભંગાણ કઈ રીતે થયું અને કેટલાક વાહનો નદીમાં ખાબક્યા તેની તપાસ શરૂ થઈ છે. મહિસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો હતો. વહેલી સવારે 7.00 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી.
બ્રિજનું નિર્માણ 1985માં પૂર્ણ કરાયું
આ બ્રિજનું નિર્માણ 1985માં પૂર્ણ થયું હતું. બ્રિજ ધરાશાયી થતાં જ માર્ગ નિર્માણ વિભાગની ગંભીર બેદરકારીની પોલ ખુલી ગઇ છે કેમ કે સરકારે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી હતી અને નવા બ્રિજ માટે સરવે પણ હાથ ધરાયો હતો. પરંતુ આ બ્રિજની હાલત જર્જરિત થઇ ગઇ હોવા છતાં તેને બંધ નહોતો કરવામાં આવ્યો.
સ્થાનિકોનો ભાજપ પર ગંભીર આરોપ
સ્થાનિકોએ આરોપ મૂક્યો કે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ભાજપના શાસનમાં જાળવણીના અભાવે તૂટી પડ્યો. ગુજરાત માર્ગ અને મકાન વિભાગની 25 વર્ષના આયુષ્ય અવધિ સાથે બનાવેલો બ્રિજ આજે 45 વર્ષે તૂટી પડે અને લોકો મોતને ભેટે એની રાહ જોતી ભ્રષ્ટાચારમાં લિપ્ત ભાજપ સરકારને કુદરતનો વધુ એક તમાચો છે.