
સુરતમાં દાદાનું બુલડોઝર યથાવત રીતે ચાલી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા ચીમકી અપાયા બાદ સુરત પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી હવે સચિન કનસાડ સુધી લંબાઈ ગઈ છે. પોલીસે પાલિકાની ટીમને તથા ડીજીવીસીએલની ટીમને સાથે રાખીને જીવણ મેપાએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું.
15 વર્ષથી દબાણ હતું
સચિનમાં કનસાડ રોડ પર ભરવાડ વાસમાં રહેતા માથાભારે જીવણ ઉર્ફે હાજા મેપા ભરવાડે પાલીગામ ખાડી પાસે 2416 સ્ક્વેર મીટરની સરકારી જગ્યા પર દબાણ કરીને 149 રૂમ અને 6 દુકાનો તાણી દીધી હતી, જેને ભાડે આપીને તેણે છેલ્લા 15 વર્ષમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે.
ભાડું ઉઘરાવતો
જીવણ દર મહિને 2.50 લાખનું ભાડું લેતો હતો. સચિન GIDC પોલીસ, પાલિકા અને ડીજીવીસીએલની ટીમ દ્વારા શુક્રવારે ડિમોલિશન કાર્યવાહી કરીને પાલિકાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ સરકારી જગ્યાની હાલની કિંમત 13 કરોડ જેટલી હોવાનો અંદાજ છે.