
ગુજરાત સહિત દેશભરમાંથી ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં સુરતમાંથી એક શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરીને લાખો રુપિયા પડાવવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં સુરત સાયબર પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા 20,00,000ના ડિજિટલ અરેસ્ટને મામલે સુરત સાયબર પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે.
વિદેશથી પાર્સલ આવ્યું છે તેમાં ડ્રગ્સ છે તેમ કહી ડરાવ્યા
આરોપીઓએ સુરતના શિક્ષકને WhatsApp વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા. જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઈમબ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી. પોલીસની ખોટી ઓળખ આપીને શિક્ષકને કહ્યું કે, તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે જેમાં 5 પાસપોર્ટ, 3 ATM કાર્ડ તથા ડ્રગ્સ મળ્યું આવ્યું છે. તેમ કહીને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી રૂપિયા 20 લાખ પડાવી લીધા હતા. આ રકમ પૈકી 10.34 લાખની રકમ 2 આ ટોળકીના સાગરિતોના ખાતામાં આવી હતી. પકડાયેલામાં ટ્રાન્સપોર્ટર, મોબાઇલનો વેપારી, કોલેજનો વિદ્યાર્થી,ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે.