
જુદા જુદા બહાના બતાવીને દેશભરના નાગરિકોના ખિસ્સા ખાલી કરતી સાયબર ક્રિમિનલ ગેંગ અનેક વખત પકડાય છે, પરંતુ હવે અમદાવાદ પોલીસે એક એવી ગેંગ પકડી છે જે અલગ જ પ્રકારથી સાયબર ગુના આચરતી હતી. સૌથી પહેલા પૈસાની જરૂરિયાત હોય તેવા વ્યક્તિને શોધવાનું બાદમાં બેંક એકાઉન્ટ દીઠ સામાન્ય રકમ આપવાનું કહી તે વ્યક્તિનાં નામે ડમી એકાઉન્ટ ખોલાવવાનું અને તે એકાઉન્ટના આધારે બનાવટી પેઢીઓ બનાવી તે પેઢીના નામથી છેતરપિંડી આચરવામાં આવતી હતી.
એકટીવામાંથી સીમકાર્ડનું પેકેટ, બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને ચેકબુક મળી આવી
ઝોન 7 LCBની ટીમે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં સ્નેહલ ઉર્ફે પીન્ટુ સોલંકી, ચિરાગ કડિયા, ગોપાલ પ્રજાપતિ અને મુકેશ દૈયા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કરોડો રૂપિયાના સાયબર ઠગાઈના ગુનામાં આ આરોપીઓને પકડવામાં આવ્યા છે. એલિસ બ્રિજ વિસ્તારમાં ઝોન 7 એલસીબીની ટીમે બાતમીના આધારે ચિરાગ કડિયા નામના યુવકને એકટીવા સાથે પકડ્યો હતો, અને એકટીવામાં તપાસ કરતા તેની પાસેથી સીમકાર્ડનું પેકેટ, બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને ચેકબુક કબજે કરી હતી.
આરોપીની પુછપરછ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો
જેની પૂછપરછ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. ચીરાગ કડિયાની તપાસમાં સામે આવ્યું કે તેને પીન્ટુ ઉર્ફે સ્નેહલ સોલંકી નામનાં યુવકે નોકરી પર રાખી પોતાનાં વટવા ખાતેનું મકાન રહેવા આપી તેમજ એક્ટીવા વાપરવા આપ્યું હતું. તેણે ચિરાગને જરૂરિયાતમંદ લોકોને શોધી તેમને એક બેંક એકાઉન્ટ દીઠ 10 હજાર રૂપિયા આપવાનું કહી તે વ્યક્તિના નામે ડમી એકાઉન્ટ ખોલાવી, તમામ એકાઉન્ટ સાયબર ફ્રોડ માટે દેશનાં અલગ અલગ રાજ્યોમાં મોકલવાનું કામ સોંપ્યું હતું. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડનાં રૂપિયાની લેવડ દેવડ માટે કરવામાં આવતો હતો.
માસ્ટર માઈન્ડ સરખેજમાં કાર લે-વેચનું કરતો અત્યારે દુબઈમાં છે
વધુ તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ ડમી એકાઉન્ટનાં આધારે સત્યમ એન્ટરપ્રાઈઝ, શિવમ એન્ટરપ્રાઈઝ, સુંદરમ એન્ટરપ્રાઈઝ, રૂપલ એન્ટરપ્રાઈઝ, શિવાય એન્ટરપ્રાઈઝ, રાધે અને શ્યામ એન્ટરપ્રાઈઝ એમ કુલ 7 બોગસ પેઢિઓ બનાવી હતી. તેમજ બોગસ પેઢીઓની સાથે ચેક બુક, ડેબિટ કાર્ડ, સીમકાર્ડ અને ક્યૂઆર કોડ મળી આવ્યા હતા. આ ગુનાનો માસ્ટર માઈન્ડ જૈમીન ઉર્ફે સેમ ઠક્કર છેલ્લાં 2 વર્ષથી દુબઈમાં રહે છે, તે અગાઉ સી.જી રોડ પર અને બાદમાં મકરબા ખાતે કાર લે વેચનો વ્યવસાય કરતો હતો. તેવામાં કાર લે વેચનાં કામથી લઈને સાયબર નેટવર્ક સુધી તે કઈ રીતે પહોંચ્યો તે બાબતની તપાસ પોલીસે શરૂ કરી છે, તેવામાં આરોપીઓની તપાસમાં કેવા ખુલાસા થાય છે તે જોવુ રહ્યું.