
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી આવતા અને હાલમાં દત્ત કુટીર વિસ્તારમાં રહેતા 7 વર્ષીય પ્રણવ સુધાકર કોરે નામના બાળકે તાવના કારણે છેલ્લા 15 દિવસથી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. સારવાર દરમિયાન તેની કિડની ફેલ થઈ જતા મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. બાળકનું મોત થઈ જતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે અને હોસ્પિટલના તબીબો સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
બેદરકારીના આક્ષેપ
પ્રાપ્ત વિગતો અનુસાર, બાળકને તાવ થતા પાંડેસરાથી નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ICU વિભાગમાં તેની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. પરિવારજનોનો આક્ષેપ છે કે, ડોક્ટરો દ્વારા બાળકને આપેલા ઈન્જેક્શનનો ઓવરડોઝ થયો હતો, જેના પરિણામે તેની કિડની ફેઈલ થઈ ગઈ અને મોત થયું.પરિવારજનોનું કહેવું છે કે, તેઓ બાળકને વધુ સજજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા માંગતા હતા, પણ નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં મનાઈ કરી હતી. તબીબોની બેદરકારી અને ઈન્જેક્શનના વધુ ડોઝને કારણે બાળકની તબિયત લથડી હતી અને અંતે તેનું મૃત્યુ થયું હતું.
પરિવારજનોમાં શોક
મૃતક બાળક સુરતમાં પોતાના સ્વજનોના ત્યાં આવ્યો હતો. ઘટના બાદ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓએ તત્કાલ હોસ્પિટલ પ્રશાસન અને તબીબો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સાચું કારણ પોસ્ટમોર્ટમ અને મેડિકલ તપાસ બાદ બહાર આવશે. બાળકના મોતને લઈને સવાલો ઊભા થયા છે કે સામાન્ય તાવમાં કિડની ફેલ થવા પાછળ શા પ્રકારના તબીબી પગલાં જવાબદાર હતા?