
સુરતના ચકચારી 948 કરોડના ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની તપાસમાં હવે સામે આવ્યું છે કે, આરોપીઓ આ કૌભાંડને અંજામ આપવા માટે વર્ચ્યુઅલ નંબર એટલે કે ઇન્ટરનેટ આધારિત નંબરોનો ઉપયોગ કરતા હતા. SOGને 30 જેટલા વર્ચ્યુઅલ નંબરો મળ્યા છે જેનો ઉપયોગ ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ કૌભાંડમાં થતો હતો. આ નંબરો દ્વારા તેઓ ડબ્બા ટ્રેડિંગના સોદા પાર પાડતા હતા અને ક્રિકેટ, કસિનો, ફૂટબોલ, ટેનિસ જેવી વિવિધ ઓનલાઈન ગેમ્સ પર સટ્ટો રમાડતા હતા. ઓનલાઈન સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ માટે આરોપીઓ દ્વારા જે બે વેબસાઈટ વાપરવામાં આવી રહી હતી તેના IP એડ્રેસ ક્યાંના છે તેમ મેળવવા માટે પણ SOG દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
8 આરોપીઓના ઘરે તપાસ
SOGએ આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં નંદલાલ ઉર્ફે નંદો વિઠ્ઠલ ગેવરિયા, વિશાલ ઉર્ફે વિકી મનસુખ ગેવરિયા, જયદીપ કાનજી પીપળીયા, ભાવિન અરવિંદ હિરપરા, નવનીત ચતુરભાઈ ગેવરિયા, સાહિલ મુકેશ સુવાગીયા, ભાવેશ જીણાભાઈ કિહલા અને બકુલ ગમન તરસરીયાની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 17.30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. SOGએ 8 આરોપીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આરોપીઓએ મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડિપોઝિટમાં રોકાણના કાગળ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ સાથે સંકળાયેલા 30 બેંક એકાઉન્ટ પણ શોધી કાઢ્યા છે. જેમાં આશરે 3.50 કરોડની રકમ જમા હતી. આ તમામ એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.
બેંક એકાઉન્ટની તપાસ
આ કૌભાંડમાં નંદલાલ અને વિશાલ જેવા જુના ખેલાડીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે. તેમના સંબંધીઓ અને પરિચિતોના નામે ખોલાયેલા બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હતો. આ કરોડો રૂપિયાના કૌભાંડની તપાસમાં ED, CID સહિતની નેશનલ અને સ્ટેટ એજન્સીઓ પણ જોડાઈ શકે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા હાલ ફરાર આરોપીઓ અને તેમના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં હજુ કેટલાક મોટા માથાઓ સંડોવાયેલા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે આગામી દિવસોમાં સામે આવી શકે છે.