
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. પીડિત વિદ્યાર્થિનીએ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. પાંચ દિવસ પહેલા જ આ વિદ્યાર્થીએ પોતાની મિત્ર સાથે મળી વિદ્યાર્થિની અને તેના મિત્રને યુનિવર્સિટીના કેમ્પસમાં બોલાવી અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં માફી મંગાવી હતી.
રેગિંગની ફરિયાદ
વિદ્યાર્થિનીની લેખિત ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વિદ્યાર્થિનીએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદ બાદ વિદ્યાર્થીએ તેને યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. વધુમાં તેણે વિદ્યાર્થિનીને ઓડિયો, વિડિયો અથવા લેખિત રૂપે માફી માંગવા પણ દબાણ કર્યું હતું. વિદ્યાર્થિનીએ રેગિંગની ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી તંત્ર હરકતમાં આવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટી દ્વારા આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે.
પગલાં લેવાની ખાતરી
કુલસચિવ ડો.આર.સી. ગઢવીએ કહ્યું કે, વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં શિસ્ત અને સલામતી મુખ્ય પ્રાથમિકતા છે. રેગિંગ એક ગંભીર મુદ્દો છે અને યુનિવર્સિટી તેના માટે ઝીરો ટોલરેન્સની નીતિ અનુસરે છે. આ મામલે તપાસ કમિટી દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે અને દોષિત સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.