
સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ આદેશ્વર જૈન દેરાસર પાસેનું મકાન વિધર્મી વ્યક્તિને વેચાતા વિવાદ ઊભો થયો છે. આ મામલે જૈન સમુદાય દ્વારા સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી અશાંત ધારા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ઉભા કરાયા સવાલ
જૈન સમાજના અનુસાર, દેરાસર પાસે આવેલ મકાન વિજયકુમાર ઝવેરી દ્વારા ગાર્ડ ફરહત એઝાઝને વેચવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ દેરાસર માત્ર જૈનો માટે નહીં, પરંતુ હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે પણ પવિત્ર સ્થળ છે, જ્યાં માતાજીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.જૈન સમુદાયે આ વેચાણ સામે કઠોર વાંધો ઉઠાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, મકાન વેચતી વખતે આસપાસના સ્થાનિક લોકોની મંજૂરીના બદલે અજાણ્યા લોકોને મંજૂરી દર્શાવી વેચાણ કરાયું છે. લોકોનો આરોપ છે કે જયારે અશાંત ધારો લાગુ છે ત્યારે વિધર્મી વ્યક્તિને હિન્દુ વસ્તીમાં મકાન કેવી રીતે વેચાઈ શક્યું?
કલેક્ટરને અપાયું આવેદનપત્ર
આ મામલે જૈન સમુદાયે એ પણ જણાવ્યું કે તેઓ માત્ર એક જ માંગ રાખે છે – “અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ ધાર્મિક વિસ્તારોમાં વિધર્મીઓને મિલકત ન વેચાઈ.”હાલ વિવાદ વધતો જઈ રહ્યો છે અને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રની હસ્તક્ષેપની અપેક્ષા રાખવામાં આવી રહી છે.