
રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નાનુ વાનાણીએ ભાજપની હાઈકમાન્ડને સાત પાનાનો સણસણતો પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભાજપમાં આવી ગયેલા ખરાબ કલ્ચર વિષે વિગતે વાત કરી છે. વાનાણીએ લખ્યું કે નૈતિક વહિવટી અને કાર્યપદ્ધતિના પરિવર્તનના કારણે ભાજપના જ કાર્યકરો અસંતુષ્ટ છે. વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો તે ભાજપને પણ એટલો જ લાગું પડે છે.
પત્રના અંશો
ભાજપના વૈચારિક અને કાર્યપદ્ધતિના સાંસ્કૃતિક સંસ્કારો જેવા કે જે કહ્યું તે જ કરવું, કહેણી અને કરણીમાં એક વાક્યતા રાખવી, મારાની નહીં સારાની પસંદગી કરવી, રાષ્ટ્રને પહેલી પસંદગી આપવી, ચારિત્ર શુદ્ધ રાખવું, કરેલા કામનું વાસ્તવિક રિપોર્ટિંગ કરવું, કોઈની ખુશામત ન કરવી અને કોઈની ખુશામતથી પ્રભાવિત પણ ન થવું, કોઈ ચોક્કસ નેતાને નહીં પ્રજાને ખુશ રાખવી, સરકીટ હાઉસ કે રેસ્ટ હાઉસમાં નહીં, પ્રજા વચ્ચે રહેવાનો અભિગમ રાખવો, સખત મહેનત કરવી, પૈસાને નહીં પ્રજાને જ પરમેશ્વર સમજવી, શો બાજી ન કરવી જેવાં ગુણો ભાજપના મૂળભૂત સંસ્કારો હતા. પરંતુ યુ.પી, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજકિય સંસ્કારના વિકૃત લક્ષણોનાં દર્શન ગુજરાતમાં થાય ત્યારે ચિંતા વધે છે.
વિકૃત લક્ષણો દેખાવા લાગ્યા
ભાજપના રાજમાં ગુજરાત કયા સાંસ્કૃતિક માર્ગે જઈ રહ્યું છે? જેવા અને જ્યાંથી મળે ત્યાંથી રેડિમેઈડ લોકોની ભરતીનો આત્મઘાતી ટૂંકો રસ્તો અપનાવવો, નેતાઓના તામઝામ ભર્યા પ્રદર્શનો, પોતાની પ્રસિદ્ધિ માટે મીડિયામાં જાહેરાતો આપવી, ભય બિન પ્રીત નહીંની નીતિ, લોકોમાં ભય ઊભો કરવો, ચૂંટણીમાં અઢળક ખર્ચા કરવા, ખુશામતખોરોને પ્રોત્સાહન, જી-હજૂરી, સાચું સાંભળવાની ક્ષમતા ગુમાવવી, જેવાં વિકૃત લક્ષણો પહેલાં ગુજરાતમાં ક્યારેય ન હતાં, જેના હવે દર્શન થવા લાગ્યાં છે.