સુરતના ઉધના વિસ્તારમાં આજ સવારે શંકાસ્પદ હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ચકચાર મચી ગઈ છે. દક્ષેશ્વર મંદિર સામે આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના ખુલ્લા મેદાનમાં મૃતદેહ જોવા મળ્યો હતો. મૃતદેહ મળવા અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી છે.
મોતનું કારણ સ્પષ્ટ નહીં
મળતી વિગતો મુજબ મૃતદેહ જોવા મળતાં તાત્કાલિક સ્થાનિક લોકોએ ઉધના પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોચી ઉધના પોલીસે સ્થળ પરથી લાશનો કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી.હત્યા છે કે આત્મહત્યા, કે પછી કોઈ તબીબી કારણોસર મોત થયું છે તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા થઈ નથી.
પીએમ માટે મૃતદેહ મોકલાયો
પોલીસનું કહેવું છે કે પોસ્મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના સાચા કારણ અંગે જણાશે. હાલ ઉધના પોલીસે આ મામલે અકસ્માત મોત (એ.ડી.) તરીકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ મૃતકની ઓળખ મેળવવા અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.