
સુરતના અલથાણ વિસ્તારમાં ભીમરાડ કેનાલમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ છે. ઘટનાની જાણ મળતા તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
કેનાલના કાંઠે મૃતદેહ તરતો હતો
આ મૃતદેહ અજાણ્યા ઇસમનો હોવાનું બહાર આવ્યું છે. હાલ યુવકની ઓળખ થઇ શકી નથી. બનાવ અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ ઘટના આત્મહત્યા છે કે પછી કોઈએ હત્યા કરીને યુવકનો મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો છે, તે અંગે તપાસ ચાલી રહી છે.
ઓળખ માટે પ્રયાસો હાથ ધરાયા
મૃતકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હાલ તો પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી દીધો છે. ત્યારબાદ જ મોતનું કારણ સામે આવી શકશે.