
સુરત જિલ્લામાં ગેરકાયદે કબજા હટાવવા માટે તંત્ર સક્રિય બન્યું છે. સુરત શહેર ઉધનાના મામલતદાર એ. આર. નાયક અને તેમની ટીમે ગભેણી ગામમાં મેગા ડિમોલીશન ઝુંબેશ ચલાવી સરકારી પડતર જમીન પરથી ગેરકાયદે રીતે બનેલા ઝીંગા તળાવો દૂર કર્યા હતા.
તળાવોની જગ્યા ખુલી કરાઈ
આ અભિયાન સુરત જિલ્લાના કલેક્ટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ અને દક્ષિણ (મજુરી) પ્રાંત વિ.જે. ભંડારીની દેખરેખમાં હાથ ધરાયું હતું. સરકારી રેકોર્ડ મુજબ, ગભેણી ગામના બ્લોક નં.483 ની અંદાજિત 55,000 ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદે રીતે ઝીંગા ઉછેર માટેના તળાવો બનાવવામાં આવ્યા હતા.
ચુસ્ત કામગીરીની આશા
પ્રશાસને આ જમીનની આજના બજાર મૂલ્ય મુજબ અંદાજિત કિંમત 41.25 કરોડ આંકી છે. આ જમીન પર ગેરકાયદે કબજો હોય તે દૂર કરવા માટે ઉધના મામલતદાર એ.આર. નાયક, મહાનગરપાલિકા સ્ટાફ અને સચીન GIDC પોલીસ સ્ટેશનના સહયોગથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી ગભેણી ગામ અને આસપાસના વિસ્તારોમાં વધુ ગેરકાયદે કબજાઓ સામે તંત્રની ચુસ્ત દ્રષ્ટિ રહેવાની આશા છે.