સુરતના પોશ વિસ્તારમાં ગણાતા વેસુ વિસ્તારમાં રવિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે બલેનો કાર ચલાવતા યુવક ક્રિશ કેજરીવાલે એક રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષો પલટી મારી ગઈ હતી અને તેમાં બેઠેલા દોઢ વર્ષના માસૂમ બાળકનું ઘટના સ્થળ પર જ દુઃખદ મૃત્યુ થયું હતું.
ક્રિશ કેજરીવાલે અકસ્માત સર્જ્યો
પ્રાપ્ત માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં રોડ પર બલેનો કાર ક્રિશ કેજરીવાલ ચલાવી રહ્યો હતો. ગાડીની ઝડપ બહુ વધારે હોવાના કારણે તે આગળ ચાલતી રિક્ષાને જોઈ શક્યો નહોતો અને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં રિક્ષા ઉલટી પડી હતી અને તેમાં બેઠેલા બાળકો અને અન્ય સવારીઓ ઘાયલ થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દોઢ વર્ષના બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આરોપી ઝડપાયો
આ બનાવ બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટના સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ હતી. વેસુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસએ કારચાલક ક્રિશ કેજરીવાલને સ્થળ પરથી જ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવર બેફામ ઝડપે અને બેદરકારી પૂર્વક ગાડી ચલાવી રહ્યો હતો. પોલીસે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ગુનામાં વધુ વિગતો એકત્ર કરી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ ચાલી રહી છે.ઘાયલ રિક્ષાચાલક તથા અન્ય સવારીઓની પણ સારવાર ચાલી રહી છે. બાળકના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.