
સુરત શહેરની કતારગામ પોલીસને મોટી સફળતા મળી છે. કરોડપતિ ચોર તરીકે ઓળખાતો અને 100થી વધુ ચોરીઓમાં સામેલ આરોપી 'આનંદ કરોડપતિ'ને ઝડપી લેવામાં આવ્યો છે. આ ચોરે પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડી સોનાં, ચાંદીનાં દાગીનાં અને રોકડ ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરી બાદ ગાયબ થઈ જતો
આનંદે રાજકોટમાં જ અત્યાર સુધીમાં 33 જેટલાં ગુનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત, તેની ચોરીઓનો વ્યાપ ગુજરાતના વિવિધ શહેરોમાં ફેલાયેલો છે. આરોપી ખુબ ચાલાક છે અને ચોરી પછી લાંબા સમય સુધી અદૃશ્ય થઈ જતો હતો.ચોરી બાદ સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ પોલીસની ટીમે તત્પરતા પૂર્વક કાર્યવાહી કરી અને આનંદ સુધી પહોંચી હતી. જો કે, તેની પાસેથી મળી આવેલ દાગીના અને રોકડ રકમનો હજી પણ અંદાજ લગાવાઈ રહ્યો છે.
પૂછપરછ શરૂ કરાઈ
કતારગામ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીની ધરપકડ બાદ આગળની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આશા છે કે આગામી સમયમાં તેના દ્વારા કરાયેલ વધુ ગુનાઓ બહાર આવશે.આ સફળતા માટે પોલીસ કમિશનર દ્વારા કતારગામ પોલીસની ટીમને સરાહનીય કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.