
સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિસાગરને આજે સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લાં આઠ વર્ષથી જૈનમુનિ જેલમાં જ છે. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતી. પીડિતાના માતા-પિતા પહેલાં મુની પાસે આવતા હતા તેઓ તેમને ગુરુ માનતા હતા અને બાદમાં તેઓ દીકરીને પણ લાવ્યા હતા. દુષ્કર્મીએ પેહલા માતા-પિતાને એક કુંડાળામા બેસાડી ત્યાંથી ખસવાની ના પાડી, યુવતીને મોઢાં પર પીંછીફેરવી, મંત્ર ઉચ્ચાર્યા બાદ, હિપ્નોટાઇઝ કરી બળાત્કાર ગુજાર્યો હતો.
સરકારી વકીલની દલીલ
સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને આરોપી મુનિ સામે મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી હતી. તેમણે દલીલમાં ખાસ કરીને ગુરુના મહિમા દર્શાવતા “ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ…” શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ગુરુનું સ્થાન માતા-પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે. ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનો હોય છે, પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા ઘણી વધી જાય છે અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશ જાય છે.આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિ પહોંચી હતી. આઘાતમાં પિતા પણ ગુજરી ગયા. પીડિતાને વળતર આપવામાં આવે તે માટે સરકાર પક્ષે પીડિત સહાય યોજના અંતર્ગત વળતરની પણ માગ કરી હતી.
યુવતીના પિતાને ફોન કરીને શાંતિસાગરે બોલાવ્યા હતા
ફરિયાદ અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરાના કારેલીબાગમાં રહેતી યુવતી 2017ની 1 ઓક્ટોબરે માતા-પિતા સાથે જૈન દિગમ્બર મંદિરે આવી હતી. જ્યાં શાંતિસાગરે ફોન કરીને યુવતીના પિતાને બોલાવ્યા હતા. તેણે માતા-પિતા તથા યુવતીના ભાઇને અન્ય રૂમમાં બેસાડી યુવતીને બીજી રૂમમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મીએ માતા-પિતાને રૂમમાં બેસાડી શ્રી ધનપતિ કુબેરાઇ નમોનો જાપ આંખો બંધ કરીને જપવા જણાવ્યુ હતું. તથા કહેવામાં ન આવે ત્યાં સુધી આંખો નહીં ખોલવા કહ્યું હતું. ત્યારબાદ માતા-પિતા જાપ કરવા લાગ્યા તો આરોપી પીડિતાના ભાઇને અન્ય એક રૂમમાં લઇ ગય હતો અ્ને ત્યાં બેસાડી બાદમાં પીડિતાને અન્ય રૂમમાં લઇ ગયો હતો.