
સુરતમાં મોટો સાઇબર ફ્રોડ બહાર આવ્યો છે. જેમાં લગભગ ૧૦૦થી વધુ ભારતીય બેંક ખાતાઓનો ઉપયોગ કરીને રૂ. ૨૦૦ કરોડથી વધુની લેવડેદેવડ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ સમગ્ર કાળો કારોબાર ચાઈનીઝ ગેંગના ઇશારે ચાલી રહ્યો હતો. મુખ્ય આરોપી ડિજિટલ પ્લેટફોર્મ "ડિજિટલ એરેસ્ટ ગેમિંગ"ના માધ્યમથી આ ફ્રોડમાં સામેલ હતો.
ફ્રોડ કેવી રીતે થયું ?
આ આરોપી વિવિધ વ્યક્તિઓના આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે દસ્તાવેજોના આધારે ફેક્ટ બેંક એકાઉન્ટ્સ ખોલાવતો હતો. ત્યારબાદ એ ખાતાઓમાંથી વિશ્વસનીય લાગે તેવા ગેમિંગ એપ્સ મારફતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરાવતો. આ રકમ ક્રિપ્ટોકરન્સી USDT (Tether) માં ફેરવી દેવાતી અને ત્યારબાદ તે નાણાં રોકડીમાં કન્વર્ટ કરી ચાઈનીઝ કનેક્શન સુધી પહોંચાડવામાં આવતી.તપાસ દરમિયાન ખુલ્યું છે કે આ નેટવર્ક માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેની કડીઓ મલેશિયા અને ક્યુબા સુધી વિસ્તરેલી છે. આ દેશોમાં પણ આવા જ ફ્રોડ માધ્યમથી મોટા પાયે પૈસાની ધંધોળી કરવામાં આવી રહી છે.
પરિવારના સભ્યોનો કરાયો ઉપયોગ
આ આરોપી પોતે નેટબેંકિંગ માટે ID અને પાસવર્ડ જનરેટ કરી રોજર પે (RogerPay) જેવી ફિનટેક એપ્લિકેશન મારફતે આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે ચાઈના મોકલતો હતો. એટલું જ નહીં, કેટલાક ગુનાઓમાં OTPના દુરુપયોગ માટે મલ્ટી-ડિવાઇસ સોફ્ટવેર અને વચનામા આધારિત એપ્લિકેશન્સ પણ વાપરવામાં આવ્યાં હતાં. ફ્રોડને દસ્તાવેજી માન્યતા આપવા માટે આરોપીએ પોતાનાં પિતા અને બહેનને દર મહિને ₹30,000 પગાર આપીને નોકરી પર રાખેલા હોવાનું ખુલ્યું છે, જ્યારે વાસ્તવમાં તેઓ કોઈ કામગીરી કરતા નહોતા. ફક્ત કાગળ પર દેખાડાવા માટે તેમની હાજરી રાખવામાં આવતી.
પોલીસની કાર્યવાહી
સુરત ક્રાઇમ બ્રાંચ અને સાઇબર સેલ દ્વારા સંયુક્ત તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં ચારથી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ કેટલીય બેંક એકાઉન્ટ્સ, મોબાઇલ ફોન અને લૅપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ અધિકારીઓએ આ કેસમાં ઇન્ટરપોલ અને ઇડીને પણ માહિતી આપી છે જેથી આંતરરાષ્ટ્રીય કડીઓ તોડીને વધુ તપાસ આગળ વધારી શકાય. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઇ અજાણ્યા વ્યવસાય કે ઓનલાઈન નોકરી માટે પોતાનાં દસ્તાવેજો શૅર ન કરે. સરળ નફાના વાયદાં સામે સતર્ક રહે અને કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તરત પોલીસનો સંપર્ક કરે.