સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતા એક યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટની કોશિષ કરી હતી. કતારગામ વિસ્તારમાં આવેલી NB જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘુસી ગયો હતો. લૂંટના ઇરાદે આવેલા યુવકને જોઈએ જ્વેલર્સનો સ્ટાફ ગભરાઈ ગયો હતો. દરમિયાન જ્વેલર્સના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો.
દુકાનના સ્ટાફે પ્રતિકાર કર્યો
દુકાનમાં રહેલા સ્ટાફે વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી, માત્ર લાઇટર રિવોલ્વર હતી. યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને તેની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું. કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી બેકાર હતો
આરોપી વિક્રમ પહેલા દૂધની ફેરી મારવાનું કામ કરતો હતો. જ્યારે છેલ્લા પાંચ મહિનાથી તે વતન સાવરકુંડલા ખાતે જતો રહ્યો હતો. હાલ વિક્રમ બેકાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી. સુરતમાં તે તેના મામાના દીકરા સાથે રહે છે. જ્વેલર્સની નજીકમાં જ રહેતો હોવાથી બે દિવસ પહેલા તેણે જ્વેલર્સના શોરૂમ પર જઈને એક સોનાનો હાર બુક કરાવ્યો હતો. જેની આજે તે ડિલિવરી લેવા પહોંચ્યો હતો અને તેના રૂપિયા ન આપવા પડે તે માટે તેણે આ કારસ્તાન કર્યું હોવાની શક્યતા છે.