
સુરતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે. ત્યારે પાલિકા તંત્ર બિસ્માર મિલકત સામે પગલાં ભરવા માટે દોડતું થયું છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં જોખમી મિલકત કે જોખમી ભાગ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
91 મિલકતો જોખમી રીતે બિસ્માર
સુરત પાલિકા દર ચોમાસા દરમિયાન શહેરમાંથી જર્જરિત મિલકત શોધે છે અને તેને રીપેર કરવા અથવા ઉતારી લેવા માટે નોટિસ આપી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત પાલિકાએ શહેરમાંથી જર્જરિત મિલકત શોધીને નોટિસ આપી છે જોકે કમોસમી વરસાદ શરુ થયો છે અને આગામી દિવસોમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે પરંતુ હજી પણ સુરત શહેરમાં 1563 મિલકતોનું રીપેરીંગ બાકી, 91 મિલ્કતો હજી પણ જોખમી રીતે બિસ્માર છે.
સ્વૈચ્છિક ડિમોલીશન
આ કામગીરી દરમિયાન પાલિકાના લિંબાયત ઝોનમાં કુંભારીયા ગામમાં જરૂરત તથા અતિ જોખમી મિલકતના મિલકતદારો સાથે ચર્ચા કરીને તેની સમજાવટ કરી રહેણાંક મકાન જે જોખમી હતું તેનું સ્વૈચ્છિક ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આવી જ રીતે ડિંડોલી ખાતે આવેલા જલારામ નગરમાં પણ જોખમી મિલ્કતની બાલ્કની ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.