
આસામના જળસંસાધન મંત્રી પિયુષ હજારિકાએ પહેલગામ આતંકી હુમલામાં ભોગ બનેલા સુરતના મોટા વરાછાના સ્વ.શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોની મુલાકાત લઈને આસામ સરકાર તરફથી રૂ.પાંચ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો.
પ્રત્યેક પરિવારને સહાય
આસામના જળસંસાધન મંત્રી પિયુષ હજારિકાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ લોકોના અવસાનથી સમગ્ર દેશ ગમગીન છે. ભોગ બનેલા દરેક પરિવારના પડખે ઉભા રહેવા અને તેમને આર્થિક સહાય પહોંચાડવા માટે આસામ સરકારે સંવેદનશીલતા સાથે પહેલ કરી છે. આતંકી હુમલાનો ભોગ બનનાર પ્રત્યેક મૃતકના પરિવારની વ્યક્તિગત મુલાકાત લઈ રૂ.૫ લાખની સહાય અર્પણ કરવામાં આવી રહી છે.
પરિવારજનોને આપ્યું આશ્વાસન
આસામ સરકાર સ્વ.શૈલેષભાઈ કળથીયાના પરિવારજનોની પડખે ઉભી છે એમ જણાવી આ દુઃખની ઘડીમાં પરિજનોને આશ્વાસન આપીને સ્વ. શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, અગ્રણી કાળુભાઈ ભીમનાથ સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.