
સુરતના હીરાના હબ ગણાતા મહિધરપુરા વિસ્તારમાં કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઘણા વર્ષોથી હીરા માર્કેટમાં દલાલી કરી વિશ્વાસ પામેલો રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઈ વઘાસીયાએ 14 અલગ-અલગ હીરા વેપારીઓ પાસેથી વેચાણ માટેના બહાને કિંમતી હીરા મેળવી કરોડોની છેતરપિંડી આચરી છે.
વિશ્વાસભંગનો કાવતરુ રચાયું
આરોપી રવિ ચોગઠે પોતે વર્ષો સુધી હીરા માર્કેટમાં દલાલ તરીકે કામ કરતો હતો. તેની ક્રિયાપ્રતિક્રિયાઓ અને વ્યવહારિક સ્વભાવને કારણે વેપારીઓ વચ્ચે વિશ્વાસપૂર્ણ છબી ઉભી થઇ હતી. જેનો લાભ લેતાં તેણે વેપારીઓ પાસેથી અલગ અલગ પ્રકારના કેરેટના હીરા વેચવા માટે લીધા. વેપારીઓને જાણ કરાઇ હતી કે તે હીરા આગળના વેપારીઓને વેચી ચૂકવશે. થોડા સમય બાદ રવિ ચોગઠ વેપારીઓનો સંપર્ક તોડી નાસી ગયો. વેપારીઓએ ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ આરોપી હાથ ન આવ્યો. અંતે વેપારીઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચનો આશરો લીધો અને તેમની સામે ફરિયાદ નોંધાવી.
ઈકો સેલની તપાસમાં આરોપી ઝડપાયો
આ કેસની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ માટે ફાઇલ ઇકોનૉમિક ઓફેન્સ સેલ (ઇકો સેલ)ને સોંપી હતી. ઇકો સેલના પી.આઈ. કે.વી. બારીયા અને તેમની ટીમે શોધખોળ શરૂ કરી હતી. ગુપ્ત સૂત્રોના આધારે મળેલી માહિતીના આધારે, ઇકો સેલ પોલીસે આરોપી રવિ ચોગઠને કતારગામ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો.આરોપીએ વેપારીઓ પાસેથી લીધેલા હીરાની કુલ કિંમત રૂપિયા 6,21,57,943 હોવાનું ખુલ્યું છે. આ આખી રકમની હેરાફેરી કરાઈ છે અને હીરા વેપારીઓને કોઈ ચુકવણી કરવામાં નથી આવી. આરોપી સામે અમાનત ભંગ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપી સામે આગળની પૂછપરછ ચાલુ છે. પોલીસે તેની પાસેથી હીરાની બચત છે કે નહીં, અથવા હીરા કોને વેચાયા, અને નાણા ક્યાં ગયા તે અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસના આધારે વધુ વેપારીઓ પણ આ છેતરપિંડીના શિકાર બનેલ હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે.