
કાયદા માટે કહેવાય છે કે, દેર છે પણ અંધેર નહી. બસ આ ઉક્તિ ગુનેગારો માટે એટલી જ સાચી સાબિત થતી હોય તેવું સામે આવ્યું છે. સુરતમાં હીરાના વેપારીઓના 4.26 કરોડના હીરા લે વેચ માટે લીધા બાદ રૂપિયા આપ્યા વગર જ છેતરપિંડી કરીને ગાયબ થઈ જનારા આરોપીને પોલીસે 13 વર્ષે ઝડપી પાડ્યો છે.
એકાદ કરોડની નુકસાની થઈ
વરાછા પોલીસ સ્ટેશનના 4.26 કરોડના હીરાની છેતરપિંડીમાં 13 વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી પંકજ ઉર્ફે બન્ટુ ચંદ્રકાંત દદવેને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ 2008માં સુરતના મહીધરપુરા ખાતે નવપલવ બિલ્ડીંગમાં હીરાની ઓફિસ રાખી હીરાની લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં હીરા વેપારીઓ તથા દલાલો પાસેથી તૈયાર માલ મેળવી બજારમાં હીરા દલાલોને વેચાણ કરતો હતો. ધંધામાં આશરે એકાદ કરોડની નુકસાની થઈ હતી.
ધંધામાં નુકસાની થતાં કરી છેતરપિંડી
નુકસાનીની ભરપાઈ કરવા પ્રયત્ન કર્યો હતો. જેમાં માલ વેચાણનું રોટેશન ખોરવાઈ ગયું હતું. આ નુકસાન ભરપાઈ કરવામાં ઓછી કિંમતના માલ વેચાણ કરવાથી પોતાના ઉપર દેવું વધતું ગયું હતું. પોતે હીરા વેપારીઓને તેમની રકમ ચૂકવી શક્યો નહી અને ધીરે ધીરે ઘણા વેપારીઓના પૈસા ન ચૂકવી શતા આશરે ચારેક કરોડનું દેવુ થઈ જતા છેતરપિંડી કરીને નાસી ગયો હતો. જેનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ અંગે તપાસ રતાં ક્રાઈમ બ્રાંચની ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સની ટીમે બાતમીના આધારે પંકજ ઉર્ફે બન્ટુ દવેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.