
સુરતના હીરા વેપારીઓનાં એકાઉન્ટ વારંવાર સીઝ થઈ રહ્યાં છે. સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોય તેવી માત્ર શંકાના આધારે હેદ્રાબાદ અને બેંગલુરુ પોલીસે સુરત શહેરના 32 જેટલા હીરા વેપારીઓનાં બેન્ક એકાઉન્ટ સીઝ કરી દીધાં છે. જેમાં હીરા વેપારીઓના અંદાજીત 100 કરોડ રૂપિયા હાલમાં ફસાઈ ગયા છે. જેથી હવે વેપારીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે.
વેપારીઓમાં આક્રોશ
વેપારીઓએ આક્રોશ સાથે કહ્યું કે, આ રીતે શહેરના અનેક વેપારીઓને છાશવારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, જેથી કેન્દ્ર સરકાર આ બાબતો કાયમી ઉકેલ લાવે તે ખુબજ જરૂરી બની ગયું છે. સપ્ટેમ્બર મહિનામાં પણ મહારાષ્ટ્ર સહિતનાં વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓનાં 50 જેટલાં બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યાં હતાં ત્યારે પણ હેરાનગતિ થઈ હતી.
કોર્ટે આદેશનો અનાદર
સપ્ટેમ્બર મહિનામાં જ્યારે 50 જેટલા હીરા અને જ્વેલરીના વેપારીઓનાં બેન્ક ખાતાં સીઝ થયા હતા, જેમાંથી શહેરની એક કંપનીએ હેદ્રાબાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં કોર્ટે આદેશ કર્યો હતો કે, પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમાં સમગ્ર એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવે છે, પરંતુ જેટલી રકમ સાઈબર ફ્રોડ દ્વારા ટ્રાન્સફર થઈ હોય તેટલી જ રકમ સીઝ કરવા માટે પોલીસે જે-તે બેન્કને સૂચના આપવી જોઈએ.
અગાઉ 50 ખાતા સીઝ હતા
ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, ગત વખતે 50 વેપારીઓનાં ખાતાં સીઝ થયાં હતાં, ઉપરાંત 1-2 ખાતાં તો સીઝ થઈ રહ્યા છે, પરંતુ ફરી એક સાથે 32 ખાતાં સીઝ કરાયાં છે. અમારી કંપનીનું પણ ખાતું સીઝ થયું છે. હવે ગૃહ મંત્રીને રજૂઆત કરીશું.સપ્ટેમ્બરમાં પોલીસે 50 એકાઉન્ટ સીઝ કર્યાં હતાં ત્યારે શહેરના વેપારીઓના અંદાજીત 500 કરોડ રૂપિયા ફસાઈ ગયા હતા, જેમાંથી મોટા ભાગના વેપારીઓએ જે-તે જગ્યાના પોલીસ વિભાગને પૈસા દબાવ્યા ત્યારે જ તેમનાં બેન્ક એકાઉન્ટ ફરી અનફ્રીઝ કરવામાં આવ્યાં હતાં.