સુરતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરથાણા જકાતનાકા સામે બાઈક પર જતાં રત્નકલાકારને કારચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નિપજ્યું હતું. યુવક સરથાણા ખાતે આવેલા નિર્મળનગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધીને કારચાલકની શોધખોળ હાથ ધરી છે. યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા. ફોરવ્હીલ ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.