સુરતમાં ચોરી ઘટના બનતી રહે છે. પરંતુ, ચોકબજાર વિસ્તારમાં આવેલા કમાલ ગલી વિસ્તારમાં વિચિત્ર ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોરીની ઘટનાને ટાબરિયાઓએ અંજામ આપ્યો છે. ટાબરિયાઓએ મોપેડની ખુલ્લી ડિકિમાંથી રોકડા રૂપિયા 4 લાખ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયા હતાં. જેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતની એક્ટિવા મોપેડની ડિક્કીમાંથી 4 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનું સી.સી.ટી.વી. ફૂટેજ બહાર આવ્યાં છે. જેમાં સ્પષ્ટપણે ચાર જેટલા ટાબરિયાઓ નજરે પડે છે. વરસતા વરસાદમાં નીકળેલા આ ટાબરિયાઓમાંથી એકે તો કપડા પણ નથી પહેરેલા.સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે બાળકો મોપેડની ડિક્કી ખોલી અને તેમાં રહેલી રોકડ રકમ લઈ જતાં નજરે પડે છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ ચોરી કેટલા સમય માટે અગાઉથી યોજના બનાવીને કરવામાં આવી હતી અને આ ટાબરિયાઓએ કોના કહેવા પર ચોરી કરી તેની તપાસ ચાલી રહી છે. અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે મામલે ગુનો દાખલ કરી અને ટાબરિયાઓની ઓળખ તેમજ ચોરીની ઘટના અંગે તપાસ હાથ ધરી છે. જો કે, સમગ્ર ઘટનામાં એક્ટિવાની ડિકિ પણ ખુલ્લી રહી ગઈ હતી કે જાણી જોઈને ખુલ્લી રાખવામાં આવી હતી તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.