
સુરતના હજારો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા રત્ન કલાકારો હાલ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આવા સંજોગોમાં તેમના બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે જાહેર કરેલા શિક્ષણ પેકેટમાં પૂરતું લાભ મળતો ન હોવાનું જણાવતાં સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી શૈક્ષણિક સહાય યોજના બદલાવવાની માંગણી કરી છે.
યોજનામાં સંપૂર્ણ ફી મુક્તિની માંગણી
પત્રમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે હાલ 13,500 રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય જાહેર કરી છે, પરંતુ આ સહાય પૂરતી નથી. રત્ન કલાકારોની હાલત દયનીય છે અને તેમને બાળકના શિક્ષણ માટે આર્થિક ટેકો પૂરતો મળી રહે તે માટે સંપૂર્ણ ફી સરકાર ભરે એવી માગણી કરવામાં આવી છે. યુનિયને પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને રત્ન કલાકારોના હક્કોનું રક્ષણ નથી થતું. મહત્ત્વની વાત એ છે કે સરકાર તરફથી આજદિન સુધી રત્ન કલાકારોની કોઈ સત્તાવાર નોંધણી કરવામાં આવી નથી, જેના કારણે તેઓ કોઈપણ સરકારી યોજનામાં પોતાને યોગ્ય રીતે સાબિત કરી શકતા નથી.
પુરાવાની શરતોમાં છૂટછાટની રજૂઆત
આટલું જ નહીં, યુનિયને એવું પણ જણાવ્યું છે કે રત્ન કલાકાર માટે જે પુરાવા માંગવામાં આવે છે, તે જમા કરાવવું ખૂબ જ અઘરું છે. ઘણા કલાકારો પાસે નોકરીના સત્તાવાર દસ્તાવેજો નથી, કારણ કે તેઓ અસંગઠિત રીતે અથવા નાનકડા કારખાનાઓમાં કામ કરે છે. એ માટે પુરાવા રજૂ કરવાના માપદંડોમાં છૂટછાટ આપવામાં આવે તેવું યુનિયને જણાવ્યું છે.પત્રમાં યુનિયને રાજ્ય સરકારને અનુરોધ કર્યો છે કે રત્ન કલાકારોનો રાજ્ય સ્તરે સર્વે કરાવવો જોઈએ અને તેનું આધારે યોગ્ય રીતે સહાય આપવામાં આવે. આ પગલાંના અભાવમાં હજારો પરિવારના બાળકોના શિક્ષણ પર ઘાતક અસર થઈ રહી છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું કે, “હજૂ સુધી સરકાર રત્ન કલાકારોને કોઈ ઓળખ આપી શકી નથી. આવાંમાં આ તમામ દસ્તાવેજ ક્યાંથી લાવશે? સરકારએ આ વાતની ગંભીરતાથી નોંધ લઈ પગલાં લેવું જોઈએ.”