
સુરત સહિતના રાજ્યના ડાયમંડ ઉદ્યોગનાં 3 વર્ષથી મંદી ચાલી રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે આજે શનિવારે (24 મે, 2025) રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત થઈ છે. રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા DBT મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે.
3 વર્ષ સુધી કામ કર્યુ હોવું જરૂરી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા આ યોજનાઓ જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા. આ રાહતનો લાભ 31/03/24 પછી કામ ન મળ્યું અને તેમને કારખામાંથી છુટા કર્યા હોય તેને મળશે. તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે.5 લાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે.
યોજનાઓ જાહેર કરી
ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતાં. આખરે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરાશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે.