
કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવા અને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આતંકવાદની અંતિમયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ આતંકવાદની અંતિમયાત્રા સરદાર કોમ્પલેક્ષથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી.
પૂતળાને ફાંસી
જેમાં લોકો દ્વારા આતંકવાદના પૂતળાને ચંપલ મારી, લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંતિમયાત્રા સીતાનગર ચોક ખાતે પહોંચતા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરીપ્રમુખ દિનેશભાઈ સાવલિયા તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગીયા, ચેતનભાઇ રાદડિયા, સંજયભાઈ ડાવરા, રાજુભાઈ ભાલાળા, સહિત કોંગ્રેસ કાર્યકરો દ્વારા આતંકવાદના પૂતળાને બ્રિજ ઉપરથી ફાંસીએ લટકાવી જાહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આતંકવાદને જળથી ઉખેડી ફેંકો
આ વિરોધ પ્રદર્શન થકી સરકાર પાસે લાગણીને માગણી વ્યક્ત કરવામાં આવી હતી કે 'દેશ ઉપર આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં સમગ્ર કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે. ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાન ઉપર હુમલો કરીને બાંગ્લાદેશને છૂટું પાડવામાં આવ્યું હતું એવી જ રીતે સમગ્ર દેશ આજે આપના નિર્ણયની રાહ જોઈ રહ્યો છે. ત્યારે આપણે આવો કોઈ કઠોર નિર્ણય કરી અને પાકિસ્તાનના એક ઘા ને બે કટકા કરી આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવાનો સેનાને આદેશ આપો એવી માંગણી કરવામાં આવી હતી'.