
સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલ દરમિયાન ઓલપાડ તાલુકાના સરસ ગામમાં વિજળી પડી હતી. ખેતરમાં ભીંડાના પાક વાળવા ગયેલી મહિલા પર અચાનક વિજળી પડતાં તેનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું.
તાત્કાલિક નીપજ્યું મોત
પ્રાપ્ત માહિતી મુજબ, સરસ ગામની મહિલા સવારે ખેતરમાં ભીંડાના પાકને તોડવા ગઇ હતી. મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું અને આગાહી મુજબ વિજળી સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે પણ આ હવામાન યથાવત્ રહ્યું.જ્યારે મહિલા ખેતરમાં કામ કરી રહી હતી. ત્યારે અચાનક વિજળી પડવાની ઘટના બની હતી. દુર્ભાગ્યવશ વીજળી સીધી મહિલાના શરીર પર પડતાં તેણીનું તાત્કાલિક સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
પરિવારમાં શોકની લાગણી
ઘટના અંગે જાણ થતાં ગામલોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઓલપાડની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ દુઃખદ ઘટનાને લઈને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પત્ની ગુમાવનાર પતિ અને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા પરિવારજનોને સાંત્વના આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગે આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને વિજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જેથી સ્થાનિક તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા લોકોને ખુલી જગ્યા કે ખેતરમાં જવાની ભૂલ ન કરવાની અપીલ કરવામાં આવી છે. આ ઘટના પૂરતી ચેતવણીની જરૂરિયાત પર દોર આપે છે કે અવારનવારના વિજળી પડવાના હવામાનમાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ખેતરના કામ દરમિયાન આબોહવા પર નજર રાખવી અને શક્ય હોય ત્યાં સુધી વરસાદી દિવસોમાં બહાર ન જવું તે જ સલામત રીત છે.