
સંબંધોમાં તિરાડ પડે કે દગો મળે ત્યારે વ્યક્તિ આપઘાત જેવા આત્યંતિક પગલાં ભરતો હોય છે. ત્યારે મોટા વરાછા અબ્રામા રોડ ખાતે રહેતા અને મૂળ રાજકોટના 30 વર્ષીય યુવાનના આપઘાતના બનાવમાં ઉત્રાણ પોલીસે યુવાનની સુસાઈડ નોટ અને તેણે બનાવેલા ત્રણ વિડીયોના આધારે તેની પૂર્વ પત્ની શીતલ, તેનો પ્રેમી અને તેના 10 સ્ત્રી-પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રરણાનો ગુનો નોંધ્યો હતો. જે પૈકી શીતલ અને તેના પ્રેમીને નવસારીની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 10 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
પ્રેમ લગ્ન કર્યા હતા
યુવાનના આપઘાત બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ પરિવારજનોએ મોપેડ ની ડીકી ખોલતા તેમાંથી યુવાનો મોબાઇલ અને એક સુસાઈડે નોટ મળી આવી હતી. ત્યારે પરિવારને જાણ થઈ હતી કે તેની પૂર્વ પત્ની અને તેનો પ્રેમી સહિતના 12 જેટલા યુવાનને માર મારી હેરાન પરેશાન કરી રહ્યા હતા. તેના પગલે તેણે અંતિમ પગલું ભરી લીધું હતું. મૂળ રાજકોટ ગોંડલ આઈટીઆઈ પાસે સાટોડીયા સોસાયટીના વતની અને સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ વાસ્તુ સર્કલ પંચતત્ત્વ રેસિડન્સીમાં રહેતો 30 વર્ષીય જયદીપ મસુખભાઈ સાટોડીયા ઘરેથી ઓનલાઇન કુર્તીનો ધંધો કરતો હતો. જયદીપે નર્મદા સાગબારા નિશાળ ફળિયું ગામ ચિત્રા ફળિયામાં રહેતા લાલુભાઈ પી.રાઠવાની દિકરી શીતલ સાથે 30 ઓક્ટોબર 2023 ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા.
મિત્રો સાથે મળી માર માર્યો
લગ્ન બાદ જયદીપ ના પરિવાર સાથે બે મહિના સાથે રહેલી શીતલ નાની નાની વાતે જયદીપ અને પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી. જયદીપને વાળ પકડીને માર મારી ગાળો આપતી હતી. ઝઘડા વધતા શીતલ પોતાની રીતે અડાજણ ખાતે કોઈક જગ્યાએ એકલી રહેવા ચાલી ગઈ હતી. જોકે, બાદમાં તેણે ફરી જયદીપનો સંપર્ક કરી સાથે રહેવા કહ્યું હતું અને ઘરે આવી આખો દિવસ ઘરની બહાર બેસી રહેતી હતી. શીતલ કહેતી કે હું ઘરના ધાબા ઉપરથી પડી જઈશ અને તમારા ઘરના તમામ સભ્યોને એટ્રોસિટી અને દહેજના ખોટા ગુનામાં ફસાવી હેરાન પરેશાન કરાવી નાખીશ તેવી ધમકી પણ આપતી હતી. જેથી 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બંનેએ છૂટા છેડા લીધા હતા. દરમિયાન, ગત બીજીની રાત્રે શીતલે જયદીપને અડાજણ ખાતે બોલાવી તેના પ્રેમી સહિત 10 સ્ત્રી-પુરુષ મિત્રો સાથે મળી માર માર્યો હતો.
વીડિયોમાં પત્નીના દગાની વાત કરી
જયદીપે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મમ્મી પાપા મને માફ કરજો, હું હારી ગયો છું. મારી લાઈફ બગાડી નાખી અને મે એને બોવ મોકા આપ્યા એણે મારી સાથે ખોટુ કર્યું, બધા એ ના પાડી છતા મે એને પાછો મોકો આપ્યો અને તેણે મારી ગેમ રમી. મારા મરવા પાછળ બોવ બધા લોકો છે. પ્રનાલી, ટીના, રૂચિત, મોહસિન, રીચા, નિરવ, આયાન, કંચન, હીના, દેવલ, યુવી, હજી બી છે જેના નામ નથી ખબર. હું આ લોકોના લિધે મારી લાઈફ ખરાબ થઈ ગઈ અને મે બહુ બધુ સહન કર્યું.હવે મારામાં હિમ્મત નથી આ લોકો મને મારે છે આ મારા ફ્રેંડ બી મારી નાખવા સુધી મને મારી નાખવા બોલ્યા છે. મારા પર ખોટા કેસ મારી વાઇફ પાસેથી કરાવ્યા હતા. મારા ઘરે આવીને મમ્મી પપ્પા બહેનને ધમકી આપે છે. મારામા હિમ્મત નથી મને મરવા સુધી મજબુર કરી હું હારી ગયો તેમ છું.