
સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે. ઉત્રાણ રેલવે સ્ટેશન રાજ્યનું જૂનામાં જૂનું રેલવે સ્ટેશન છે. પરંતુ ટ્રેનો ન ઉભી રહેતી હોવાથી જોઈએ તેટલો વિકાસ થઈ શક્યો નથી. જેથી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા સુરતના સાંસદને ઉત્રાણ રેલવે સ્ટેશનના વિકાસ માટે પત્ર લખવામાં આવ્યો છે.
રેલવે સ્ટેશનના વિકાસની માગ
ઝેડઆરયુસીસી સભ્ય કલ્પેશ બારોટ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ઉત્રાણ આસપાસના વિસ્તારના વિકાસની વાત કરવામાં આવી છે. અહિં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તરગુજરાત અને દેશના અન્ય ભાગના લોકો વસવાટ કરતાં હોવાની સાથે 20 કિલોમીટર વર્ગમાં 15 લાખ જેટલા લોકો રહેતા હોવાથી ઉત્રાણ રેલવે સ્ટેશનનો તાકીદે વિકાસ કરવામાં આવે તેવી માગની સાથે મેઈલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ આપવાની વાત કરવામાં આવી છે. જેથી રેલવે વિભાગની આવક વધે અને સ્થાનિકોને ફાયદો થાય તો ઉધના સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર ભારણ ઘટે અને લોકોને ત્યાં દૂર ન જવું પડે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
10 ટ્રેનના સ્ટોપેજની માગ
સુરતના સાંસદ પાસે 10 ટ્રેનોને સ્ટોપેજ ઉત્રાણ રેલવે સ્ટેશન પર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જેમાં ઈન્ટરસિટી, મેમુ તથઆ એક્સપ્રેસ અને મેઈલ ટ્રેનનો સમાવેશ થાય છે. કલ્પેશ બારોટે કહ્યું કે, અત્યાર સુધી અન્ય સ્ટેશનોને વિકસાવવામાં આવી રહ્યાં છે. જે સારી બાબતે છે. પરંતુ ઉત્રાણ રેલવે સ્ટેશન પર કોઈએ ધ્યાન આપ્યું નથી. જેથી ઉત્રાણ રેલવે સ્ટેશનને વિકસાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થવાની સાથે રેલવેને પણ સારી આવક થાય તેવી સંભાવના છે.