
સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં આજે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. ગામના મુખ્ય માર્ગ પર ચાલુ માર્ગ નિર્માણ કાર્ય દરમિયાન ગુજરાત ગેસની પાઈપલાઇનને નુકસાન પહોંચતા ગેસ લીકેજ થયું હતું. આ લીકેજ એટલું ગંભીર હતું કે થોડી જ ક્ષણોમાં જોરદાર ધડાકો થયો અને સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો.
પાઈપલાઈન તૂટતાં ગેસ લીકેજ
પ્રાપ્ત માહિતી અનુસાર, રોડની ખોદકામની કામગીરી માટે તહેનાત હિટાચી મશીન દ્વારા જમીન ખોદવામાં આવી રહી હતી. દરમિયાન ગફલતભર્યા રીતે મશીનના પાવડાએ ગુજરાત ગેસની અંડરગ્રાઉન્ડ પાઈપલાઇનને નુકસાન પહોંચાડ્યું. પરિણામે ગેસ લીક થવા લાગ્યો અને અચાનક જ એક ધમાકો થયો.આ અચાનક ઘટનાથી ત્યાં કામ કરતા મજૂરો તેમજ આસપાસ રહેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોમાં નાસભાગ મચી હતી અને લોકો સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક લોકો અને રોડના કાર્યકર્તાઓએ ગુજરાત ગેસ કંપનીને જાણ કરી હતી.
અધિકારીઓ દોડી ગયા
ઘટનાસ્થળે થોડા સમય બાદ ગુજરાત ગેસના ટેકનિકલ સ્ટાફ તેમજ અધિકારીઓ પહોંચી ગયા અને તાત્કાલિક કામગીરી શરૂ કરી. સુરક્ષાને ધ્યાને રાખીને માર્ગ પર આવનજાવન રોકવામાં આવ્યો છે અને ઘટના સ્થળને સીલ કરીને સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.ગુજરાત ગેસના એક અધિકારીએ કહ્યું કે, “પાઈપલાઇનની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને લીકેજને કંટ્રોલમાં લેવાના પ્રયાસો તાત્કાલિક શરૂ કરવામાં આવ્યા છે. સદનસીબે, કોઈ જાનહાનિની માહિતી નથી.”