
સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર મુસાફરોને ટ્રેનમાં ચઢવા-ઉતરવાની તકલીફ પડતી હોવાથી હવે આ પ્લેટફોર્મ પર ટ્રેનો પર ચડવા માટે પોર્ટેબલ સીડીની સુવિધા પુરી પાડવા માટે કરાર કરવામાં આવ્યો છે. ખાનગી સંસ્થા દ્વારા આ સીડીઓ લગાડવામાં આવશે. આ સીડીઓને કારણે મુસાફરોને મોટી રાહત મળશે. ઉધના ખાતે ટ્રેનોની સંખ્યામાં વધારો થવાને કારણે પશ્ચિમ રેલવેએ એક વધારાનો પ્લેટફોર્મ નંબર-6 શરૂ કર્યો હતો. ઉધના સ્ટેશનનું આ પ્લેટફોર્મ સ્ટેશનના પૂર્વ વિસ્તારમાં, રેલવે કોલોની પાસે આવેલું છે. પ્લેટફોર્મ નંબર-6 નીચા સ્તરે છે, જેના કારણે મુસાફરોને ટ્રેનમાં ચઢવા અને ઉતરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે.
10 સીડીઓ પ્રાથમિક તબક્કે મૂકાશે
પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ મુસાફરોની સમસ્યાઓને સમજીને પ્લેટફોર્મ નંબર-6નું સ્તર વધારવા અને પહોળાઈ વધારવાની યોજના બનાવી છે. પરંતુ તે પહેલાં, ઉનાળાના વેકેશનની મોસમમાં મુસાફરોના ભારે ધસારાને કારણે, પોર્ટેબલ સીડીઓ સ્થાપિત કરીને કામચલાઉ વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સ્થાનિક રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ સુવિધા પ્લેટફોર્મ-6 પરથી દોડતી ટ્રેનોના મુસાફરો માટે ઉપલબ્ધ થશે. શરૂઆતમાં આ સુવિધા 10 પોર્ટેબલ સીડીઓથી શરૂ કરવામાં આવશે. આ સાથે ટ્રેનોના દરવાજા પર રેલવે પોર્ટેબલ સીડીઓ લગાવવામાં આવશે.
પ્રસ્તાવને મંજૂરી
તે પ્લેટફોર્મ અને ટ્રેનના ફૂટપ્લેટ વચ્ચે સ્થાપિત કરવામાં આવશે, જેથી મુસાફરો તેમના સામાન સાથે સુવિધાજનક રીતે ટ્રેનમાં ચઢી શકે. વૃદ્ધો, મહિલાઓ અને અપંગ મુસાફરોને આનો સૌથી વધુ ફાયદો થશે. જેના કારણે તમામ મેમુના મુસાફરો, ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસ, ઉધના-દાનાપુર એક્સપ્રેસ સહિત સ્થાનિક મુસાફરોને મહત્તમ રાહત મળશે. ઉધના સ્ટેશને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેનું અંતર માપવામાં આવ્યું અને ટ્રાયલ ધોરણે 2 પોર્ટેબલ સીડી બનાવવામાં આવી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભય સિંહ ચૌહાણે એક ખાનગી સંસ્થાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
પ્રક્રિયા શરૂ
તેમણે ઉધના સ્ટેશન પર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેનું અંતર માપ્યું અને ટ્રાયલ ધોરણે 2 પોર્ટેબલ સીડીઓ બનાવી. આ પોર્ટેબલ સીડીઓ લગાવવાનું અને દૂર કરવાનું કામ સંસ્થાના લોકો પોતે કરશે. ઉધના પ્લેટફોર્મ-6 પર MEMU ટ્રેન સાથે પણ સીડીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે સફળ રહ્યું છે. હવે વધુ સંખ્યામાં પોર્ટેબલ સીડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
15 મીટર વધારાશે
ઉધના રેલ્વે સ્ટેશનના એકમાત્ર લો લેવલ પ્લેટફોર્મ નંબર છને હાઇ લેવલ બનાવવા માટે મુંબઈ ડિવિઝનના ભૂતપૂર્વ ડીઆરએમ નીરજ વર્મા દ્વારા સર્વેનું કામ પૂર્ણ થયા બાદ, નવા ડીઆરએમ પંકજ સિંહની દેખરેખ હેઠળ કામ શરૂ થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નંબર 6ના એક છેડે સિમેન્ટ બ્લોક નાખવાનું કામ શરૂ થઈ ગયું છે. પ્લેટફોર્મની કુલ લંબાઈ 715 મીટર છે. જ્યારે 24 કોચ ધરાવતી કોઈપણ ટ્રેનને ઉભી રહેવા માટે 600 મીટર જગ્યાની જરૂર પડે છે. પ્લેટફોર્મ 6 પર કેટલીક જગ્યાએ, પહોળાઈ 10થી 13 મીટર સુધીની હોય છે, જે પણ વધારીને 15 મીટર કરવામાં આવશે.