
ખેડૂતો માટે ખુશખબર છે. રાજ્ય સરકારે ખેતીલક્ષી વીજ જોડાણ માટેની નિયમિત પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ સુધારો કરીને ખેડૂતોને મોટી રાહત આપી છે. ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લેવામાં આવેલ નવા નિર્ણય મુજબ, હવે ખેતીલક્ષી વીજ જોડાણ મેળવવા માટે જમીનના દરેક સહમાલિક પાસેથી સંમતિ લેવાની ફરજ નહીં રહે.હાલની નિયમાવલિ અનુસાર, જો 7/12 ઉતારામાં એક કરતાં વધુ સહમાલિકો હોય, તો વિજ જોડાણ મેળવવા માટે તમામ સહમાલિકોનું નોટરાઈઝ્ડ સંમતિ પત્રક ફરજીયાત હતું. આ પ્રક્રિયા ખેડૂત માટે મુશ્કેલ બની જતી હતી, ખાસ કરીને જ્યારે સહમાલિકો અન્ય શહેરમાં રહેતા હોય અથવા અનુપલબ્ધ હોય.
મુશ્કેલીઓનો અંત આવશે
હવે અરજદાર માત્ર પોતાનું સેલ્ફ ડિક્લેરેશન નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર આપે તો પણ વીજ જોડાણ માટેની અરજી માન્ય રહેશે.આ નિર્ણય આવકારાયો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું કે, "સરકારનો આ નિર્ણય ખેડૂત હિતમાં છે. વર્ષોથી ચાલતી વિજ જોડાણની મુશ્કેલીઓ હવે હળવી બનશે. વિજળી મળવાથી પાક ઉત્પાદન વધશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે."
શું થશે લાભ?
દરેક સહમાલિક પોતપોતાના ભાગની જમીન પર વિજ જોડાણ મેળવી શકશે. દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનશે. સમય અને પૈસાની બચત થશે. સાથે જ ખેતીમાં તાત્કાલિક વિકાસ માટે પ્રોત્સાહન મળશે. ઉર્જા વિભાગના સૂત્રો જણાવે છે કે આ નિર્ણય રાજ્યભરમાં તાત્કાલિક અમલમાં આવી જશે. તમામ વીજ વિતરણ કંપનીઓને આ નવા નિયમ અંગે સૂચનાઓ આપવામાં આવી રહી છે.સરકાર એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ખોટા સેલ્ફ ડિક્લેરેશન આપે છે તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકશે. પ્રમાણિત માહિતી આપવી ફરજીયાત રહેશે.