
Surat News: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની બોલબાલા છે. નકલી અધિકારીઓ અને નકલી વસ્તુના કિસ્સાઓ વધ્યા છે. ત્યારે હવે સુરતના સરથાણા વિસ્તારમાં નકલી સોનાના દાગીના બનાવતી ગેંગ ઝડપાઈ છે. જે અસલી સોનાના હોલમાર્ક સાથે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના વેચતા હતા. આ મામલે પોલીસે 12 શખ્સોની ધરપકડ કરી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાંથી હોલમાર્ક ખરા પરંતુ તેમાં ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતુ કારખાનું ઝડપાયું છે. આ કારખાનામાં ઉત્પાદિત થતા દાગીના ઉપર 100% શુદ્ધનો સિક્કો મારીને તેમાં માત્ર 23 % ગોલ્ડ નાખી હોલમાર્કનો સિક્કો લગાવીને વેચાણ કરતા હતા. આ અંગે પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલા જ્વેલરી સ્ટોરમાં નકલી સોનાની ચેઈન વેચવા ગયા હતા. જ્વેલર્સના માલિકને સોનું નકલી જણાતા તેણે પોલીસને જાણ કરી હતી.
આ મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. ત્યાર બાદ ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલ વેલંજા ખાતે રુદ્રાક્ષ સોસાયટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં જ અસલી સોનાના નામે ભેળસેળયુક્ત નકલી સોનાના દાગીના બનાવતા હતા. પોલીસે સ્થળ પરથી ચાર ચેઈન, ચેઈન બનાવવાનું મશીન, અને હોલમાર્કના સિક્કા સહિતની સામગ્રી જપ્ત કરીને કુલ 12 આરોપીઓની ધરપકડ છે.
એક મહિનાથી નકલી સોનું બનાવવાનું કારખાનું ચાલતું હતું
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી વિવેક સોની સહિત 12 લોકો સાથે મળી ભેળસેળયુક્ત સોનુ બનાવતા હતા. એક મહિનાથી આ કારખાનું ચલાવવામાં આવતું હતું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.