
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા PSI, ASI અને 1 સાગરીત પોલીસ ચોકીમાં જ રંગેહાથ 63 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. પૈસાની લેતીદેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માગ્યા હતા. દરમિયાન એસીબીને ફરિયાદ કરવામાં આવતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. હાલ એસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કાર્યવાહીના નામે લાંચ માગી
ફરિયાદીની અરજીની તપાસ માટે PSI મધુ રબારી તરફથી 63 હજાર રૂપિયા લાંચની માંગણી કરવામાં આવી હતી. PSI રબારીના રાઇટર ASI નવનીત કુમાર જેઠવાને પણ આ દૂષિત પ્રક્રિયામાં સામેલ હોવાનું સામે આવ્યું છે. PSI રબારી દ્વારા ફરિયાદી પર દબાણ કરવામાં આવી રહ્યું હતું કે જો પૈસા આપવામાં નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કઠોર રહેશે.
વડોદરા એસીબીની કાર્યવાહી
ફરિયાદીએ આ મામલે ACBનો સંપર્ક કર્યો હતો. વડોદરા ACB દ્વારા ફસાવાની યોજના ઘડીને લાંચ લેતા સમયે ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની 63,000 રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી.તપાસ દરમિયાન માનસિંહે PSI મધુ રબારી અને નવનીત જેઠવાનું નામ ખુલ્લું મૂક્યું. પરિણામે ACB દ્વારા ત્રણેની ધરપકડ કરવામાં આવી છે.