
સુરતના વરાછાના યોગીચોક વિસ્તારમાં રહેતા યાર્નના વેપારી ઉપર થોડા દિવસ પહેલા મોપેડ લઈને કારખાને જતી વખતે પરવત ગામ અંજનીનંદન પ્રોજેક્ટની બાંધકામ સાઈટ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેમને પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચકચારીત બનેલા ફાયરિંગના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
કેવી રીતે થયું ફાયરિંગ
ગોડાદરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરાછા, યોગીચોક, સાવલીયા સર્કલ પાસે કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય સંજયભાઈ છગનભાઈ પડસાળા ગઈ તા 23મીના રોજ સવારે દસ વાગ્યે તેમની લિબાયત નારાયણનગર ખાતે આવેલ શ્રી ભક્તિ એન્ટરપ્રાઈઝ નામની યાર્નની ફેકટરી ઉપર મોપેડ લઈને જવા માટે નીકળ્યા હતા.તે વખતે પરવત ગામ ખાતે અંજનીનંદન પ્રોજેક્ટની બાંધકામ સાઈટની સામે ખાડી બ્રિજવાળા રોડ ઉપર પાછળથી બાઈક ઉપર આવેલા અજાણ્યાએ તેમના ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયો હતો. ફાયરિંગમાં સંજયભાઈને પીઢના ભાગે ગોળી વાગતા ઈજા પહોંચી હતી. બનાવ અંગે ગોડાદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસની સાથે તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. શુટરને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા 800 જેટલી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
આરોપીની કબૂલાત
આ દરમિયાન પોલીસને એવી બાતમી મળી હતી કે સંજયભાઈ ઉપર ફાયરિંગ હરેશ ગજેરાએ કરાવ્યો છે જે બાતમીને વર્કઆઉટ કરી હરેશ ગજેરા ઝડપી પાડયો હતો. પ્રાથમિક પુછપરછમાં યાર્ન વેપારી સંજયભાઈ પડસાળા ની હત્યા કરવા માટે તેના મિત્ર ભુપત કેશુભાઈ ધડુકે સોપારી આપી હોવાની કબૂલાત કરી હતી.
બંને ખાસ મિત્રો
સંજયભાઈ અને ધડુક એક જ સોસાયટીમાં રહે છે અને બંને જણા ખાસ મિત્રો છે. સંજયભાઈના ધડૂકની પત્ની સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમસંબંધ છે. જે અંગેની જાણ ભુપત ધડુકને થતા તેઓએ સંજયભાઈની હત્યા કરવાની 25 લાખમાં સોપારી આપી હતી. હરેશ ગજેરાએ આ પૈસા લીધા બાદ રવિ પિતામ્બર પ્રધાન (રહે, રાખી માર્વેલા વીલા, ખરવાસા, ડિંડોલી)ને 20 લાખમાં સોપારી આપી હતી. રવિએ બહારથી શુટર બોલાવ્યા હતા. હરેશ ગજેરાએ રવિ અને તેના શૂટરને સંજયભાઈનું ઘર બતાવી રેકી કરાવી હોવાની કબુલાત કરી હતી. પોલીસે હરેશ ગજેરાની ધરપકડ કરી તેની પાસેથી સોપારીના 5 લાખ રીકવર કર્યા છે અને સોપારી આપનાર ભુપત ધડુક, સોપારી લેનાર રવિ પ્રધાન અને શુટર સહિતના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.