સુરત શહેરમાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. મોપેડ પર જતી યુવતીને સામાન્ય કહી શકાય તેવી ભૂલ જીવલેણ સાબિત થઈ છે. ડુમસ એરપોર્ટ રોડ પર ભારે મિક્ષર મશીન ટ્રકે મોપેડને અડફેટે લીધું હતું. જેમાં 22 વર્ષીય યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતી ઘરેથી ઓફિસે જવા નીકળી હતી. આ ઘટના રોડ કિનારે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી.
અકસ્માત બાદ લોકોની ભીડ એકઠી થઇ
વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ રાહદારીઓની ભીડ જમા થઇ ગઇ હતી અને ટ્રકચાલકને ઘેરી લેવામાં આવ્યો હતો. લોકોએ આ દરમિયાન કડક કાર્યવાહીની માગ કરતા નારેબાજી પણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ડુમસ પોલીસ ઘટનાસ્થળે ત્વરિત દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
યુવતી નોકરી પર જવા નીકળેલી
ડુમસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુક્તા જયેશભાઈ ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલી કાર કંપનીના શો-રૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. યુક્તા રોજની જેમ શુક્રવારે પોતાની મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી. દરમિયાન ડુમસ એરપોર્ટવાળા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્સર મશીનના ટ્રકચાલકે યુક્તાની મોપેડને ટક્કર મારી અડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બુલેન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.