સુરતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે રસ્તાઓ પર ખાડાઓ અને ભરાયેલા પાણીના કારણે ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઈ છે. શહેરના સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી ટ્રાફિક જામી ગયો છે. માર્ગની બંને તરફ લાંબી વાહન કતારો જોઈ મળી રહી છે. ટ્રાફિકજામના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સરદાર માર્કેટ સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થઈ જતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
મોસમનો 63 ટકા વરસાદ
સહારા દરવાજા, કતારગામ, અઠવા ગેટ, મજૂરાગેટ, રિંગરોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકના લાંબા જામી ગયેલા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના કારણે રસ્તા પર આવેલા ખાડાઓને લીધે વાહન ચલાવવું ખતરાનાક સાબિત થઈ રહ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી બે દિવસ સુધી શહેરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. હાલ સુધીમાં સુરતમાં સિઝનના કુલ 36 ઇંચ એટલે કે લગભગ 63 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
7 વર્ષથી 100 ટકા વરસાદ
હજી ચોમાસાના ત્રણ મહિના બાકી હોવા છતાં, હાલની સ્થિતિ જોતા સિઝનમાં 100 ટકા વરસાદ થવાની પૂરી શક્યતા દર્શાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 વર્ષથી સુરત શહેરમાં મોસમી વરસાદનું પ્રમાણ 100 ટકા રહી ચૂક્યું છે. શહેરની રસ્તા પર વધી રહેલી મુશ્કેલીઓ વચ્ચે પાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ વ્યવસ્થા અને વાહનચાલકો માટે તાત્કાલિક નવું આયોજન કરવામાં આવવા માંગ ઊઠી રહી છે.