કહેવત છે કે , જર , જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું...સુરતમાં સગા ભાઈએ જ ભાઈ ઉપર છેતરપીંડીનો કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ઘટના સામે આવી છે. ઇકો સેલ દ્વારા છેતરપિંડીના આરોપમાં જીમ સંચાલક યોગેશ ઈટાલીયાની ધરપકડ કરી છે. આ અંગે યોગેશ ઈટાલીયાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે , મારે ત્રણ દીકરા છે. મોટો દીકરો ડોક્ટર છે, બીજા નંબરનો દીકરો કાપડના મશીનના ધંધા સાથે છે અને નાનો દીકરો જીમ ચલાવે છે. મારા પતિ જ્યારે હયાત હતા ત્યારે મારા સંતાનો એમની પત્નીઓ અને મારા નામે બધાના ભાગે સંપતિની સરખી વહેંચણી કરી હતી. હું હાલ મારા નાના દીકરા સાથે રહું છુ. મેં મારી સંપતિ પાછી માંગી તો મને કટુ વેણ કહેવા લાગ્યા હતા. આ દરમ્યાન તેમને મારા નાના દીકરા યોગેશ ઉપર ખોટી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી તેની ધરપકડ કરાવી દીધી છે. મોટા દીકરાએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સંપતિ અને પેસાની લાલચમાં સગા ભાઈને જેલમાં મોકલ્યો છે. ત્યારે મને કંઈ થયું તો જવાબદાર કોણ? હાલ મારું મોતિયાનું ઓપરેશન થયેલું છે. ત્યારે જે રાખે છે તેને જેલ ધકેલ્યો ને બીજા બન્ને મારી ખબર પૂછવા પણ આવ્યા નથી.