
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB)એ દેશના વિવિધ રાજ્યોમાં આવેલી મેટ્રો લાઇનની કેબલની ચોરીમાં સંડોવાયેલી કુખ્યાત આંતરરાજ્ય “ખેકડા ગેંગ”ના ચાર મુખ્ય ઈસમોને ઝડપી લીધા છે. આ ગુનાઈત ગેંગે અત્યાર સુધીમાં ભારતના અનેક શહેરોમાં કુલ 35થી વધુ મેટ્રો કેબલ ચોરીના ગુનાઓ આચર્યા છે, જેમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરની સાથે દિલ્હી, પુણે, પનવેલ, ભોપાલ અને ઇન્દોરનો સમાવેશ થાય છે.
17 લાખથી વધુના મેટ્રો કેબલની ચોરી
મેટ્રોના કેબલની ચોરીનો ગુનો બીજી જૂનના રોજ IPL મેચ દરમિયાન કોબા મેટ્રો સ્ટેશન નજીક બન્યો હતો જ્યાં ગેંગના ઈસમો રાતના સમયે 17.85 લાખ રૂપિયાની કિમતનો 700 મીટર કેબલ કાપીને ચોરી ગયા હતા. LCB-1 અને LCB-2ની ચાર ટીમોએ એક સાથે કામગીરી શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ વાહનો ઓળખી ટીમ આરોપીઓ સુધી પહોંચી હતી. આરોપીઓએ ચોરાયેલ કેબલ કલોલ ખાતે ભાડાના મકાનમાં છુપાવ્યા હતા.
ગુજરાત સિવાય આ રાજ્યોમાં પણ કરી મેટ્રોની ચોરી
પોલીસે કલોલ ખાતેના મકાનમાંથી 368.7 કિલો કોપર વાયર (કિંમત ₹2.95 લાખ), પ્લાસ્ટિક કવર (કિંમત ₹1,302), કિયા કેરેન્સ કાર, મોબાઇલ ફોન સહિત કુલ ₹8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડી પાડવામાં આવેલા ચાર ઈસમોની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, કુલ 13 જેટલા વ્યક્તિઓની ટીમ મળીને આ ગુનાઓ આચરતી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ શાહપુર, ગ્યાસપુર સહિતના મેટ્રો સ્ટેશનોમાં કરેલી અગાઉની ચોરીઓની પણ કબૂલાત કરી છે. આ ગુનાઈત ગેંગે દિલ્હીમાં 14, પુણેમાં 12, પનવેલમાં 6 સ્થળે તેમજ ભોપાલ અને ઇન્દોરમાં પણ મેટ્રો કેબલની ચોરી આચરી હોવાનું સ્વીકાર્યું છે. આ આરોપીઓ અલગ શહેરોમાં જઈ હોટલમાં રોકાય છે, પછી ભાડે મકાન અને ફોર વ્હીલર કાર લઈ મેટ્રો લાઇન નજીક રેકી કરીને કેબલ કાપે છે. કેબલમાંથી કોપર વાયર અલગ કરી પેક કરીને ટ્રેન મારફતે દિલ્હી મોકલતા હતા.
તપાસ હાથ ધરાઈ
પકડાયેલા આરોપીઓની ઓળખ 32 વર્ષીય મુશરફ મુલેજાટ, 21 વર્ષીય રાશીદ ધોબી, 45 વર્ષીય રાશીદ અંસારી, 33 વર્શીય ઇરશાદ મલીક તરીકે થઈ છે. તમામ આરોપી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે આ આરોપીઓની દેશભરમાં થયેલા મેટ્રો કેબલ ચોરીને લઈને તપાસ હાથ ધરી છે. મેટ્રો મેનેજમેન્ટ સહિત અન્ય રાજ્યની પોલીસનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.