
સુરત શહેરમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સેન્ટ્રલ અને પશ્ચિમ બંગાળની ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ની વિશેષ ટીમ સુરતમાં આવી પહોંચી છે અને શક્ય તેટલી માહિતી એકત્ર કરી રહી છે.સુરત પોલીસ અને આઈબીની સંયુક્ત કાર્યવાહી હેઠળ શકમંદ બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ચોકસાઈથી તપાસ માટે ચાર સ્તરનું પૂછપરછ મોડેલ બનાવવામાં આવ્યું છે, જેમાં પીએસઆઈ, પીઆઈ, એસીપી અને ડીસીપી સ્તરે અલગ અલગ અધિકારીઓ દ્વારા એક પછી એક પ્રશ્નો પુછવામાં આવ્યા છે.
દેહવિક્રયના ધંધામાં સંડોવાયેલી હોવાનું આવ્યું બહાર
શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો પૈકી છ મહિલાઓ દેહવ્યાપાર (દેહવિક્રય)ના ધંધામાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ મહિલાઓ સુરતના વિવિધ વિસ્તારોમાં રેહી રહી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. પોલીસે તેઓનું સંપૂર્ણ વિગતો એકત્ર કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સુરત પોલીસ દ્વારા કાર્યવાહી દરમ્યાન બહાર આવેલાં તમામ બાંગ્લાદેશી નાગરિકોના દસ્તાવેજો, તેમનું સુરતમાં કઈ રીતે પ્રવેશ થયો અને કયા લોકોની મદદથી તેઓ અહીં સ્થાયી થયા છે તે અંગે પણ વિગતવાર તપાસ ચાલી રહી છે.
વિદેશી એક્ટ પ્રમાણે કાર્યવાહી થશે
જો તેઓ વિઝા કે પાસપોર્ટ વિના ભારતમાં દાખલ થયા હોય, તો વિદેશી એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે અને શંકાસ્પદ લોકો ઉપર નજર રાખવા માટે ખાસ મૉનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.