સુરતમાં ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમા ખાસ કરીને વેડ રોડ ગુરુકુલ વિસ્તારમાં રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. જેથી વાહનચાલકો અને પગપાળા જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે અનેક દ્વિચક્રી અને ચારચક્રી વાહનો રસ્તામાં બંધ પડી ગયા, અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ. નાગરિકોએ વરસાદી પાણીમાંથી વાહન ઠેલતા દ્રશ્યો શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળ્યા.
સફાઈનો અભાવ
સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દાવા કરવામાં આવતા પ્રિ-મોનસૂન કામની અસરકારકતાની પોલ ખૂલી ગઈ છે. નાળાઓની સફાઈ, ડ્રેનેજ વ્યવસ્થાની તૈયારી અને નીચાણવાળા વિસ્તારોમાં નિકાસ વ્યવસ્થાના અભાવને કારણે વરસાદી પાણીનું નિકાલ નહિ થતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. નાગરિકો ને તંત્ર વિરુદ્ધ નારાજગી પણ વ્યકત કરી હતી અને માંગ કરી છે કે વરસાદી સિઝન શરૂ થવા પહેલા યોગ્ય આયોજન કરવામાં આવે અને માત્ર કાગળ પર નહિ, મેદાને કામગીરી જોવા મળે.