
સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં બે વર્ષથી મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. તેને લઈને હવે સરકારી તંત્ર પણ એક્શનમાં આવી રહ્યું છે. વૈશ્વિક મંદીના કારણે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ નબળી થઈ છે. છેલ્લા દોઢ બે વર્ષમાં રત્નકલાકારો દ્વારા જે આપઘાત કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે, તેને લઈને હવે વહીવટી તંત્ર પણ આખી સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહી છે.
હીરા ઉદ્યોગને લઈને બેઠક
મુખ્યમંત્રીએ હીરા ઉદ્યોગને લઈને આપેલા નિવેદન બાદ તાબડતોબ મિટીંગ થઈ રહી છે. થોડા દિવસો અગાઉ સુરત કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી. ત્યારબાદ હવે શ્રમ આયુક્તની કચેરી ખાતે 19 તારીખે 5:00 વાગે શ્રમ આયુક્તની કચેરીએ બેઠક રાખવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો, ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો તેમજ અન્ય અગ્રણીઓ સાથે બેઠક કરીને અત્યારની સ્થિતિ અંગે માહિતી મેળવશે.
આર્થિક મદદ આપવાની તૈયારી
રાજ્યભરના રત્નકલાકારો તેમજ અનેક એસોસિએશન હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેકટરને સૂચન કરવામાં આવ્યું કે જે તે શહેરમાં હીરા ઉદ્યોગ ની સ્થિતિ કેવી છે તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવે. જેના ભાગરૂપે સુરત કલેકટર દ્વારા ડાયમંડ ઉદ્યોગ રિલેટેડ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે લેબર કમિશનર દ્વારા હીરા ઉદ્યોગની રત્નકલાકારોની સ્થિતિ અંગે બેઠક બોલાવી છે.