
SURAT NEWS: જેણે ટ્રેકટર શીખવ્યું એ પતિના અવસાન બાદ આજે 50 વીઘા જમીન જાતે જ ખેડે છે, જાતે જ ખેતરમાં ટ્રેક્ટર ચલાવી ખેતી અને પશુપાલન કરી આ મહિલા ઘરનું ગુજરાન ચલાવે છે. આ મહિલા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં રહેતા લતાબેન સતીષભાઈ પટેલ.
દાઢનું કેન્સર થતા પતિનું મૃત્યુ થયું
ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામમાં લતાબેન સતીષભાઈ પટેલને લગ્નજીવનમાં બે દીકરી અને એક દીકરો છે. તેમના પતિ સતીષભાઈને દાઢનું કેન્સર થયા બાદ તેમનું અવસાન થયું. પતિના જવાથી લતાબેન માથે આભ તૂટી પડ્યું હતું. પરંતું હરિ જવાને બદલે લતાબેને આખા ઘરની જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી.
પતિએ શીખવ્યું હતું ટ્રેક્ટર, હવે 50 વીઘામાં કરે છે ખેતી
લતાબેનના પતિ સતીષભાઈએ એમને રમત રમતા ટ્રેક્ટર શીખવ્યું હતું. પતિ પાસેથી ટ્રેકટર ચલાવવાનું શીખેલા લતાબેન આજે પોતાના 50 વીઘા ખેતરમાં ટ્રેકટરથી ખેતી કરે છે. સાથે પશુપાલન પણ કરે છે.
અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા લતાબેન
લતાબેને અથાગ મહેનત કરી પગભર થયા અને બે દીકરીઓને આનંદથી પરણાવી અને એક દીકરો અશોક જે મોટો થઈ માતા લતાબેન પાસેથી જ ટ્રેકટર શીખ્યો અને આજે માતાને ખેતીકામમાં મદદરૂપ થઇ રહ્યો છે. સ્ત્રી શક્તિ ધારે તો શું ન કરી શકે એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે લતાબેન પટેલ. લતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. મહિલાઓ કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારે અને મજબૂત મનથી આગળ વધે એવી આજના દિવસે લતાબેને અપીલ કરી છે.