
સુરતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી રોગચાળો વકર્યો છે. તાવ, ઝાડા-ઉલટી બાદ મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધના વિસ્તારમાં તાવ બાદ તબિયત લથડતા 20 વર્ષીય પરિણીતાનું મોત નીપજ્યું હતું. જેથી બે સંતાનોએ માતાને ગુમાવતા નોધારા થયા છે.
સારવાર દરમિયાન મોત
પહેલા બનાવમાં, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સંજય નગરમાં 20 વર્ષીય આસમા કામિલ અન્સારી પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ એક દીકરો અને એક દીકરી છે. પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. આસમાની ગતરોજ ઘરે જ તબિયત લથડી હતી, તેથી તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી, દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
સંતાનો થયા નોધારા
આસમાને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી પરિવાર દ્વારા તેની દવા નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાંથી ચાલી રહી હતી. ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી બ્લડના રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા હતા. જે રિપોર્ટ નોર્મલ હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે, તે દરમિયાન તેની તબિયત લથડતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બે સંતાનની માતાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.