
સુરતની નબળી નેતાગીરીના કારણે આ વર્ષે ફરી એક વાર સુરતમાં ખાડી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે વહિવટી તંત્ર સાથે છ મહિના પહેલા પ્રભારી મંત્રીની હાજરીમાં ખાડીમાં આવેલા ઝીંગાના તળાવ દુર કરવા માટે રજુઆત થઈ હતી અને કામગીરી માટે સુચના પણ અપાઈ હતી. જોકે, છ મહિના બાદ પણ કામગીરી ન થતાં આજે સુરતના મેયરે કલેક્ટરને પત્ર લખીને ભીમપોર ગામ પાસે આવેલ ઝીંગા તળાવોના દબાણો દુર કરી જમીનને સમથળ કરવા પત્ર લખવો પડ્યો છે.
કરોડો રૂપિયાના નુકસાન થાય છે
સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીમાં સમયાંતરે પૂર આવે છે. આ ખાડી પૂરના કારણે સુરતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને હજારો લોકો પ્રભાવિત થાય છે. છ મહિના પહેલાં સુરતના વહિવટી તંત્ર સાથે બેઠક મળી હતી તેમાં પ્રભારી મંત્રી કનુ દેસાઈની હાજરીમાં સુરતના ખાડી પૂર માટે જવાબદાર કાંકરા ખાડી મીંઢોળા નદીને મળે છે ત્યાં ઝીંગાના તળાવ છે તેના કારણે ખાડીના પાણીનું વહેણ અટકે છે તેથી તેને દુર કરવા માટે રજુઆત કરી હતી. વહિવટી તંત્ર જો આ તળાવ દુર કરે તો પાલિકાએ તમામ મશીનરી આપવા માટે પણ તૈયારી બતાવી હતી.
પ્રભારીની હાજરીમાં રજૂઆત
આ ઝીંગાના તળાવ દુર કરવા માટે પ્રભારી મંત્રીની હાજરીમાં રજૂઆત થઈ હતી અને સુચના આપવામા આવી હતી. તેમ છતાં છ મહિના બાદ પણ કોઈ કામગીરી થઈ નથી. હવે ચોમાસાના આડે ગણતરીના દિવસો છે ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, મિંઢોળા નદીના મુખ પાસે તેમજ ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલ પાણીના વહેણને નડતરરૂપ ઝીંગા તળાવ દુર કરવા જોઈએ.
જમીન સમથળ કરવા રજૂઆત
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલ ઝીંગા તળાવના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે. જેના ફળસ્વરૂપ ગત વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન મીઠીખાડી લિંબાયત ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ નીચાણવાળા વિસ્તારમાં તેમજ ભીમપોર ગામમાં પાણીનો ભરાવો થયો હતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સિંચાઈ વિભાગ તરફથી મળેલ સુચન અનુસાર કાંકરા ખાડીના બંને કિનારાથી 200 મીટર સુધીમાં બનાવવામાં આવેલ તેમજ ભીમપોર ગામ પાસે બનાવવામાં આવેલ ઝીંગા તળાવ દૂર કરી જમીનને સમથળ કરવા જરૂરી છે. છ મહિના પહેલા જ આ રજૂઆત થઈ હતી. પરંતુ સુરતની નબળી નેતાગીરી અને વહિવટી તંત્રની કામ કરવાની ઢીલી નીતિના કારણે આ ચોમાસે ફરી એક વખત સુરતના માથે ખાડી પૂરનું સંકટ રહેલું છે.