
સુરતના લાજપોર મધ્યસ્થ જેલમાંથી અવારનવાર તપાસ દરમિયાન મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતી હોય છે. જો કે, આ વખતે કેદીના ચેકિંગ દરમિયાન એક ગંભીર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પાકા કેદી જગતારસિંહ ઉર્ફે સરદાર માનસિંગ ચમનલાલ ગડરીયાની તપાસ દરમિયાન પ્રાઈવેટ પાર્ટમાં છુપાવેલા ત્રણ મોબાઇલ ફોન તથા એક એસેમ્બલ ચાર્જર મળી આવ્યા હતાં. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક્સ રેમાં પર્દાફાશ
કેદી જગતારસિંહ નવી સિવિલ હોસ્પિટલ, સુરતમાંથી સારવાર પૂર્ણ કરીને પોલીસ જાપ્તા સાથે પરત આવ્યો હતો. નિયમ અનુસાર ગેટ રજિસ્ટરમાં એન્ટ્રી કરી કેદીને શરીર તપાસ માટે ઝડતી રૂમ (ડોક્ટર રૂમ) માં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં SRP કર્મચારીએ હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર (HHMD) વડે તપાસ કરતા કેદીના પ્રાઈવેટ પાસે અવાજ આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થિતિ સ્પષ્ટ થતાં કેદીને તરત જ જેલના દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો.કેદી જગતારસિંહે પોતાની વિરુદ્ધ પુરાવા છુપાવવાના હેતુથી જેલના દવાખાનામાં પોતાને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તબીબી અધિકારીઓની સલાહ અનુસાર તેની ચકાસણી માટે, એક્સ રે કરાવવા માટે તેને નવી સિવિલ હોસ્પિટલમાં રાત્રે 8:50 વાગ્યે ફરીથી ચુસ્ત વ્યવસ્થા સાથે મોકલવામાં આવ્યો હતો.
બાથરૂમમાં અન્ડરગારમેન્ટમાંથી પેકેટ નીકળ્યું
નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ કેદીને જ્યારે બાથરૂમ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે તેના અન્ડરગારમેન્ટમાંથી વિંટાળીને મૂકેલું એક પેકેટ મળી આવ્યું હતું. આ પેકેટની પ્રક્રિયા અનુસાર તપાસ કરવામાં આવી હતી. એ સમયે ત્રણ મોબાઈલ અને ચાર્જર નીકળ્યા હતા. જિલ્લા તબીબી અધિકારી દ્વારા હાથ ધરાયેલી સારવાર બાદ કેદીના પ્રાઇવેટ પાર્ટમાં છુપાવેલા કાળા રંગના 3 મોબાઇલ ફોન તથા એક એસેમ્બલ ચાર્જર મળી આવ્યા હતા. જેને બહાર કાઢવામાં આવ્યા હતા અને આ તમામ મોબાઇલ ટેપથી ખૂબ જ મજબૂત રીતે લપેટી રાખવામાં આવ્યા હતા અને વધુ છુપાવવા માટે કાર્બન પેપરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.