
Surat news: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ સુરત શહેર સહિત ગ્રામ્યમાં બાંગ્લાદેશીઓ સામે તવાઈ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢીને તેઓને વતન રવાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે સ્પેશિયલ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરતમાં પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓ હોવાનું સામે આવ્યું હતું. 45થી વધુ મહિલા, 50 લોકોના ફોનમાં બાંગ્લાદેશના નંબર ચેટ મળી આવ્યા હતા. સુરતમાં કેન્દ્રીય એજન્સીઓના જોઈન્ટ ઈન્ટ્રોગેશનમાં આ પ્રમાણે ઘટસ્ફોટ થયો હતો.
સુરત શહેર સહિત ગ્રામ્યમાં બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે પોલીસ, એરફોર્સ,બીએસએફ, નેવી, સ્ટેટ-સેન્ટ્રલ IBનું જોઈન્ટ ઈન્ટ્રોગેશન થયું હતું. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા હતા. જેમાં દરેક શંકાસ્પદ વ્યક્તિની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ એજન્ટની મદદથી ભારતની સરહદ ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા હતા. તેમજ તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છુપાઈને રહેતા હતા અને જે મળે તે રોજગાર કરીને રહેતા હોવાનો ખુલાસો થયો હતો.